ગુજરાત
News of Tuesday, 16th April 2019

કોંગ્રેસ ભ્રમ ફેલાવીને વોટ બેંક માટે રાજનીતિ કરે છે

પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર આકરા પ્રહારઃ દલાલોને દૂર કરી પુરા રૂપિયા ખેડૂતોને મળે તેની ચોક્સાઈ એકમાત્ર નરેન્દ્ર મોદીએ રાખી છે : સર્વાંગી વિકાસ કરાયો

અમદાવાદ,તા.૧૫: આજરોજ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર દિપસિંહ રાઠોડના સમર્થનમાં કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ ઇડર વિધાનસભા ક્ષેત્રમાં એક વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, ગામડું એ ભારતનો આત્મા છે એ મંત્ર સાથે નરેન્દ્ર મોદીની સરકાર ગામડું-ગરીબ અને ખેડૂતોની સમૃધ્ધી માટે કટીબધ્ધતાથી કાર્ય કરી રહી છે. ભારતમાં ૨.૫ લાખ ગ્રામ પંચાયતો છે. આ ગ્રામ પંચાયતોને કોંગ્રેસની સરકાર વખતે સરપંચોને કોઇ મોટું બજેટ ફાળવવામાં આવતું ન હતું.  નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં બાદ સરપંચોને વિકાસ કામો માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, દર વર્ષે ૨ લાખ કરોડ રૂપિયા ગામડાંઓના વિકાસ માટે દેશભરના સરપંચોને મોકલવામાં આવે છે. તેથી ગામડાંઓનો ખૂબ જ સારો વિકાસ થયો છે અને હું સરપંચોનો મંત્રી છું તેથી આ વાત સારી રીતે જાણું છું. કોંગ્રેસ માત્ર બિનજરૂરી વિવાદો ઉભા કરી પ્રજામાં ભ્રમ ફેલાવીને વોટબેંકની રાજનીતી કરી રહી છે. તમે કોંગ્રેસને સાચી રીતે ઓળખો એ કહેવા માટે જ હું અહીં આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનો માટે કિસાન સન્માન નિધી યોજના અમલમાં મૂકી, ત્યારે તેઓ એક કાર્યક્રમમાં ટેબ્લો બતાવી જગતના તાતના ખાતામાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર આપવામાં આવે છે, તેની વિગતો રજૂ કરી હતી. ભારતના એક કરોડ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તારૂપે બે હજાર રૂપિયા તરત જ જમાં થઇ ગયાં. કોંગ્રેસની સરકારોમાં સરકારમાંથી ૧૦૦ રૂપિયા લેવાના હોય તો ખેડૂતોના બે જોડી ચપ્પલ ઘસાઇ જતાં હતાં, તેના બદલે હવે માત્ર એક જ મિનીટમાં તેમના ખાતામાં રૂપિયા જમા થઇ જાય છે. દલાલોને દૂર કરીને પૂરેપૂરા રૂપિયા ખેડૂતોને મળે તેની ચોક્કસાઇ એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ રાખી છે. આપણે ખેડૂતોના ખાતામાં વાર્ષિક ૬ હજાર રૂપિયા જમા કરાવ્યાં ત્યારે કોંગ્રેસે કહ્યું કે, આ બહુ મામુલી રકમ છે. હું કોંગ્રેસને જણાવું છું કે, ૬૦ વર્ષ તમે રાજ કર્યું ક્યારેય તમે સવા રૂપિયો પણ ગરીબના ખાતામાં જમા કરાવ્યો છે ? રૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કામોની વાતો કરવા બેસું તો એક અઠવાડીયા પણ ઓછું પડે. ભાજપા સરકાર દેશના લોકોના સુખ દુઃખમાં ભાગીદાર કેવી રીતે બને છે, તેની વાત કરવી છે. વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે પરંતુ જ્યારે હોસ્પિટલનું બિલ આવે છે ત્યારે દર્દીની સાથે રહેલી વ્યક્તિને બિલ જોઇને એટેક આવી જાય છે. આની ચિંતા આજસુધીમાં કોઇપણ રાજકીય નેતાઓએ કરી નથી. નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતાં ત્યારે આ અંગેની ચિંતા કરીને માં અમૃતમ કાર્ડ તથા માં વાત્સલ્ય કાર્ડ જેવી યોજનાઓ શરૂ કરી, જેમાં આવા ગંભીર પ્રકારના રોગોથી પિડાતા દર્દીઓને રૂપિયા ૩ લાખ સુધીની તેમજ તેઓ વડાપ્રધાન બન્યાં બાદ આયુષ્યમાન યોજના અંતર્ગત રૂપિયા ૫ લાખ સુધીની તબીબી સહાય આપવાનું નક્કી કર્યું છે. પહેલાં અકસ્માત થતો ત્યારે ઘાયલ વ્યક્તિને પોલીસ કાર્યવાહીને કારણે કોઇ હોસ્પિટલ લઇ જતું ન હતું, હવે ૧૦૮ની સેવા સૌને માટે દેવદૂત જેવી બની રહી છે. આ સેવા થકી અનેક દર્દીઓના જીવ બચાવવામાં સફળતા મેળવી છે.

(9:53 pm IST)