વાઘોડિયાના કોટંબીમાં બોગસ દસ્તાવેજ તૈયાર કરી વડોદરાના ટ્રાન્સપોર્ટર સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર વિરુદ્ધ ફરિયાદ
વાઘોડિયા:તાલુકાના કોટંબી ગામની જમીનનો દસ્તાવેજ કરવાના બહાને દલાલ તેમજ જમીન માલિકે બોગસ દસ્તાવેજો તૈયાર કરી વડોદરાના ટ્રાન્સપોર્ટર સાથે લાખો રૃપિયાની ઠગાઇ કરી હોવાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
વડોદરાના હરણીરોડ વિસ્તારમાં ગાંધીપાર્ક સોસાયટીમાં રહેતા અતુલ જયંતિભાઇ ત્રિવેદી ટ્રાન્સપોર્ટ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ-૨૦૧૧માં તેઓ વાઘોડિયા મામલતદાર કચેરીમાં ગયા હતા ત્યારે ઇ-ધરા કેન્દ્રમાં નોકરી કરતા ભાવેશ સોલંકી સાથે ઓળખાણ થઇ હતી. ભાવેશે તેના બનેવી સતિષચંદ્ર મફતલાલ સોલંકી(રહે.સાંઇ કોમ્પલેક્સ, ખોડિયારનગર, વડોદરા) સાથે પરિચય કરાવ્યો હતો. સતિષે કોટંબી ગામે રહેતા હરખા મોહનભાઇ ભંગીની જમીન વેચાણ કરવાનું કહેતા અતુલભાઇએ રસ દાખવ્યો હતો.