ગુજરાત
News of Monday, 15th April 2019

દવાની કંપની પાસે ૩ માસમાં એકવારને બદલે ૩ વાર પોતાના શરીર પર સંશોધન કરાવી વધુ નાણા મેળવવા બનાવટી આધાર કાર્ડનો આશરો લેવાતો'તો

બનાવટી આધાર કાર્ડ અને ક્રિકેટ સટ્ટાની રસપ્રદ વાતો અકિલા સમક્ષ વર્ણવતા અમદાવાદના ડીસીપી ડો. હર્ષદ પટેલ : છતીસગઢ-મહારાષ્ટ્ર અને બિહારના શખ્સો દ્વારા ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ધમધમતું'તું

અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવટી આધાર કાર્ડ તથા ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપી આરોપીઓને ઝડપી લીધા તે પ્રસંગની મુદામાલ સાથેની તસ્વીર.

રાજકોટ, તા., ૧૫: અમદાવાદ એસઓજી ક્રાઇમ દ્વારા રિલીફ રોડ પર આવેલ હોટલ કિનારા ઇન  રૂમ નં. ૧૦૪ માં ચાલતા આઇપીએલ ક્રિકેટ મેચ સટ્ટાના રેકેટ પર દરોડો પાડી સટ્ટો રમવાના સાધનો સાથે લાખોનો મુદામાલ કબ્જે થયાના ચકચારી મામલામાં અમદાવાદ એસઓજી ક્રાઇમના નાયબ પોલીસ કમિશ્નર હર્ષદ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરાવતા ગુજરાત બહારના છતીસગઢ અને મહારાષ્ટ્રના નાગપુર અને બિહારના સટ્ટાખોરોની સટ્ટા રેકેટનું નેટવર્ક ખુલવા પામ્યું છે.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચની રેઇડ દરમિયાન સફેદ કલરનું કોલર માસ્ટર મળી આવેલ જેમાં ૧ થી ૨૬ સ્વીચો હતી. ક્રિકેટ સટ્ટાના રેકેટમાં  ૪૦ જેટલા મોબાઇલો પોલીસે કબ્જે કરી મોટી રોકડ રકમ પણ કબ્જે કરી હતી.

ડીસીપી હર્ષદ પટેલના કથન મુજબ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ગૌતમ નામન શખ્સ કે જે છતીસગઢના રાયપુર ખાતે રહે છે તે અન્ય પાસે કટીંગ કરાવતો હોવાનું ખુલવા પામેલ છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી લીનોવા કંપનીનું સિલ્વર કલરનું લેપટોપ મળી આવેલ છે.

સટોડીયાઓ દ્વારા ડાયરીઓના અલગ-અલગ પાના પર ક્રિકેટના હિસાબ તથા સટ્ટાની વિગતો આલેખી છે. જે બાબતે પણ તપાસ ચાલી રહી છે. પકડાયેલા ગુલશન લાલવાણી (રાયપુર, છતીસગઢ), ગીરીશ પરમાનંદ સુગંધ (નાગપુર, મહારાષ્ટ્ર), રાયપુરનો જ મહમદ મોસીન તથા રાયપુરના અન્ય બે શખ્સો સુમીત શ્યામલાલ તથા જુનેદ નામનો શખ્સ ઉપરાંત સંજય નામનો બિહારના શખ્સ અંગે સંબંધક રાજયમાંથી માહીતી મંગાવ્યાનું હર્ષદ પટેલે જણાવ્યું હતું.

અકિલા સાથેની વાતચીતમાં ડો. હર્ષદ પટેલે જણાવેલ કે,  બનાવટી આધાર કાર્ડના આરોપીઓની વિશેષ પુછપરછ કરતા વિવિધ રીસર્ચ કંપની કે જેમાં લોકો ઉપર સંશોધનકરી  દવા બનાવવામાં આવતી હોય છે. તે માટે આ આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

તેઓએ જણાવેલ કે એક વ્યકિત ૩ માસ દરમિયાન કલીનીકલ રીસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં પોતાના શરીર પર એક જ વખત રીસર્ચ કરાવી શકે છે. આ માટે મોટી રકમ મળતી હોવાથી બનાવટી આધાર કાર્ડ મેળવી કલીનીકલ રીસર્ચ  કંપનીમાં બે-ત્રણ વખત સ્ટડી માટે પહોંચી રૂપીયા રળતા હોય છે. આવા લોકોની લાચારી ધ્યાને લઇ બહેરામપુરાના બે શખ્સો દ્વારા આ સમગ્ર રેકેટ ધમધમતું હતું.

(3:38 pm IST)