ગુજરાત
News of Monday, 15th April 2019

સિયાસત કે યોદ્ધાઓ કી બડી કસરત હો રહી હૈ, ચુનાવ કે દિન હૈ ગરીબો કી બડી સેવા હો રહી હૈ...

જાહેર પ્રચારનું છેલ્લુ અઠવાડિયુઃ રાષ્ટ્રીય નેતાઓના ઝંઝાવાતી પ્રવાસ

આજે રાહુલ ગાંધી રાજુલામાં, અમિતભાઈ શાહ કોડીનારમાં: સ્મૃતિ ઈરાની ૧૭મીએ ધોરાજીમાં: ૧૮મીએ અમરેલીમાં મોદીની સભા

રાજકોટ, તા. ૧૫ :. ગુજરાતમા લોકસભાની ચૂંટણીના મતદાન આડે અઠવાડીયુ માંડ બાકી રહ્યુ છે. જાહેર પ્રચાર આવતા રવિવારે સાંજે ૫ વાગ્યે બંધ થનાર છે. તે પૂર્વે ગુજરાતમાં ૨૬ લોકસભા વિસ્તારોમાં જાહેર પ્રચારમાં વેગ આવ્યો છે. સ્થાનિક, પ્રદેશના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતને ધમરોળી રહ્યા છે. છેલ્લા દિવસોમાં મતદારો પર અપેક્ષિત અસર પાડવા ભાજપ-કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષો, ઉમેદવારો અને કાર્યકરો મથામણ કરી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત વ્યાપી ઝંઝાવતી પ્રવાસ શરૂ થઈ ગયા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે સૌરાષ્ટ્રમાં છે. અમરેલી, પોરબંદર અને જૂનાગઢ બેઠકને ધ્યાને રાખી રાજુલા પાસે બપોરે તેમની સભા યોજવામાં આવેલ છે. તેઓ ફરી સંભવત ૧૯મીએ ગુજરાત આવનાર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે કોડીનારના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અગાઉ જૂનાગઢમાં એક સભા ગજાવી ગયા હવે અમરેલી બેઠકમાં બીજી સભા ગજાવવા તા. ૧૮મીએ આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તા. ૧૭મીએ ધોરાજીમાં રોડ શો અને સભા માટે આવતા હોવાના અહેવાલ છે. ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સભા, સંમેલન, રોડ શો વગેરે દ્વારા પ્રચારની પરાકાષ્ટા સર્જવાની રાજકીય પક્ષોની નેમ છે.

(12:06 pm IST)