ગુજરાત
News of Monday, 15th April 2019

હાર્દિક પટેલ રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી બાદ સૌથી મોટો સ્ટાર પ્રચારક

કોંગ્રેસે આપેલી ઇજ્જત અલ્પેશ પચાવી ના શકયા : ફોર્ચ્યુનરથી હેલિકોપ્ટરમાં હાર્દિક પટેલ ફરતો થયો : ૭ દિવસમાં ૫૦થી વધુ સભા સંબોધશે : કોંગ્રેસ દ્વારા તૈયારી

અમદાવાદ,તા. ૧૪ : પાટીદાર અનામત આંદોલનનો પ્રણેતા અને હવે કોંગ્રેસનો યુવા નેતા હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો લોકસભા ચૂંટણી માટે સૌથી મોટો સ્ટાર પ્રચારક બની ગયો છે. તે રાહુલ ગાંધી અને પ્રિયંકા બાદ ત્રીજા નંબરનો સૌથી મોટો સ્ટાર પ્રચારક છે. કોંગ્રેસે હાર્દિકને ચૂંટણી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે. ગુજરાતભરમાં આગામી સાત દિવસમાં અધધ કહી શકાય એમ ૫૦થી વધુ ચૂંટણી સભા સંબોધશે. ભલે કાયદાકીય આંટીઘૂંટીના કારણે હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણીમાં લડવાની તક ના મળી પરંતુ તે એક જ મહિનામાં સ્ટાર પ્રચારક ચોક્કસ બની ગયો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસની કાર્યકારિણી બેઠક દરમિયાન અમદાવાદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં તા. ૧૨ માર્ચે કોંગ્રેસમાં જોડાયો હતો. એક જ મહિનામાં કોંગ્રેસે તેને સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવી લીધો હતો. તે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી સભા કરશે. એટલે કે, બહારના રાજયોમાં પણ કોંગ્રેસ માટે પ્રચાર કરવામાં પક્ષ દ્વારા હાર્દિક પર વિશ્વાસ વ્યકત કરાયો છે, જે મહત્વની વાત હાર્દિકના દ્રષ્ટિકોણથી કહી શકાય. હાર્દિકને પહેલું હેલિકોપ્ટર અને રૂટ રાઈડિંગ અમદાવાદથી રાજકોટનો હતો. કોંગ્રેસે ૭ દિવસમાં જ ૫૦થી વધુ સભા કરવા માટે હાર્દિકને હેલિકોપ્ટર ફાળવી દીધું છે. સૌથી પહેલા તેણે અમદાવાદથી રાજકોટની ઉડાન ભરી હતી. તેણે જણાવ્યું હતું કે, હું અમદાવાદથી રાજકોટ હેલિકોપ્ટરમાં પહોંચ્યો હતો. મારી જામનગર લોકસભા વિસ્તારમાં ચાર જાહેર સભા છે. જામનગર લોકસભા માટે ૪ સભા કરવા હાર્દિક પટેલ હેલિકોપ્ટરમાં રાજકોટ પહોંચ્યો હતો. ફોર્ચ્યુનરમાંથી સીધો હેલિકોપ્ટરમાં આવતા જ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રાજકોટ એરપોર્ટ પરથી તે કાલાવડ સભા માટે બાય રોડ કારમાં ગયો હતો. કાલાવડમાં ભાજપ વિરૂદ્ધ તેણે પ્રહાર કર્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસે આપેલી ઇજ્જત અને તાકાત અલ્પેશ ઠાકોર સંભાળી ન શક્યા. આમ, હાર્દિકે પણ હવે અલ્પેશથી અંતર કરી લીધુ હોવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો.

 

(8:22 pm IST)