ગુજરાત
News of Saturday, 16th March 2019

વિજ્ઞાન પ્રવાહ : કોમ્પ્યુટરના પેપરમાં ત્રણ નંબરનો ફાયદો

પેપરમાં ભૂલ થતા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય : કોમ્પ્યુટરના વિષયના પેપરમાં વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલા બંને જવાબોને બોર્ડ દ્વારા માન્ય રખાશે : વિદ્યાર્થીને રાહત

અમદાવાદ, તા.૧૬ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રોમાં પેપર સેન્ટર દ્વારા કરાયેલા છબરડા બાદ હવે બોર્ડને વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લેવાની ફરજ પડી છે. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના કમ્પ્યૂટર વિષયના પેપરમાં અપાયેલા બંને જવાબોને બોર્ડ દ્વારા માન્ય રાખવામાં આવશે તેવું જણાવાયું છે. આમ, બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ત્રણ માર્ક્સનો ફાયદો કરવાની જાહેરાત કરાઇ છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના કમ્પ્યૂટરના પેપરમાં ટ્રેડમાર્કના પ્રશ્નના બે સાચા જવાબ વિકલ્પ તરીકે અપાયા હતા. પેપર દરમિયાન વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. ટ્રેડમાર્કના પ્રશ્નના સાચા જવાબ તરીકે કેટલાક વિદ્યાર્થીઓએ ટી એમ તો કેટલાકે એસ એમ લખ્યું હતું. પરીક્ષા બાદ બંને વિકલ્પ પૈકી બોર્ડ કયો જવાબ માન્ય રાખશે. તે અંગે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હતી. આ બાબતે કી- રિસોર્સ પર્સને કમ્પ્યૂટરના પેપરમાં ૧૧ ભૂલ પ્રિન્ટિંગની જણાવી હતી અને ૩ ભૂલ પેપર સેટરની હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત મ્યુટેટરના બદલે પેપરમાં કોમ્પ્યુટર લખાયું હતું. બોર્ડ દ્વારા ત્રણ માર્ક ગુજરાતી અને એક માર્ક અંગ્રેજી ભાષામાં કમ્પ્યૂટરનું પેપર આપનાર વિદ્યાર્થીઓને આપવામાં આવે તેના માટે રજૂઆત કરવામાં આવી હતી અને લોજિકલ ભૂલ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ અંગે શિક્ષણ બોર્ડના સચિવ એસ.આઈ.પટેલે જણાવ્યું હતું કે પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે બાબત ચોક્કસથી ધ્યાને લેવાશે. આ દિશામાં બોર્ડના પ્રયત્ન ચાલુ છે પેપરમાં રહી ગયેલી ભૂલના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થવા દેવામાં આવશે નહીં તેની કાળજી લેવાશે. ગત વર્ષે લેવાયેલી માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટાટ(એચએએસ)ની પરીક્ષાના કેમેસ્ટ્રીના પ્રશ્નપત્રમાં છબરડા સામે આવ્યા હતા. જેના કારણે બોર્ડે ૧૧ માર્કનું ગ્રેસિંગ જાહેર કરવું પડ્યું હતું. આ ખુલાસો બોર્ડે જાહેર કરેલી આન્સર સીટમાં કરવો પડ્યો હતો. કેમેસ્ટ્રીનાં પ્રશ્નપત્રમાં ૬ પ્રશ્નોનાં જવાબ એવા છે જેમાં એકને બદલે બે જવાબ સાચા હોવાનું જણાયું હતું જેને બોર્ડે ગ્રેસિંગ માર્ક આપીને સુધારવું પડ્યું હતું. આમ, આ વર્ષે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના કોમ્પ્યુટરના પેપરમાં છબરડાના કારણે બોર્ડે ત્રણ માર્ક્સનો ફાયદો વિદ્યાર્થીઓને આપવાની વાત કરી હતી.

(7:27 pm IST)