ગુજરાત
News of Saturday, 16th March 2019

નડિયાદ ડિવિઝનલ સ્કવોર્ડે સેવાલિયા નજીકથી 102 કિલો પોશ ડોડાનો જથ્થો જપ્ત કર્યો

નડિયાદ: ડિવિઝન સ્ક્વોર્ડ તથા એસઓજી પોલીસે સંયુક્ત રીતે સેવાલિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હડમતીયા ગામ પાસેથી ગાડીમાં લઈ જવાતાં ૧૦૨.૮૩૦ કિલોગ્રામ પોશ ડોડાનો જથ્થો જપ્ત કરી પકડાયેલા બે ઈસમોની પુછપરછ હાથ ધરી છે. જથ્થો ક્યાંથી લવાતો હતો. અને ક્યાં લઈ જવાતો હતો તેની તપાસ માટે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 

મળતી માહિતી મુજબ નડિયાદના ડીવાયએસપી સ્ક્વોર્ડને માહિતી મળી હતી કે, સ્વીફ્ટ ડિઝાયર કાર નં જીજે ૦૬ ડીબી ૧૧૨૧ માં નશાયુક્ત પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. અને કાર સેવાલિયા વિસ્તારમાંથી પસાર થનાર છે. અંગે ડીવાયએસપી જી. એસ. શ્યાનને જાણ કરાતાં તેમણે એસઓજી પોલીસને સાથે રાખી સેવાલિયા નજીક આવેલ હડમતિયા ગામ પાસે વોચ રાખી હતી. દરમિયાન માહિતીના નંબરવાળી કાર બાલાસિનોર તરફથી આવી હડમતિયા થઈ ઠાસરા જતી હતી ત્યારે પોલીસે કારને અટકાવી હતી. અને કારની પાછળની સીટમાં તેમજ ડેકીમાં તપાસ કરતાં કોથળા નજરે પડ્યાં હતાં. કોથળાને ખોલીને જોતાં તેમાં પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ એટલે કે પોશડોડા દેખાઈ આવ્યાં હતાં. પોલીસે કોથળાનું વજન કરતાં ૧૦૨.૮૩૦ કિ.ગ્રા કિંમત રૂ.૫૭,૦૭૫ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં બેઠેલા ઈસમોની પુછપરછ કરતાં મહેશભાઈ ઉર્ફે રાજુ મહીજીભાઈ સોલંકી (રહે.અરડી તા.પેટલાદ) તેમજ મુકેશ ઉર્ફે ભુપાજી ગૌતમભાઈ મીણા (રહે. અરડી તા.પેટલાદ)ના હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

(6:47 pm IST)