ગુજરાત
News of Saturday, 16th March 2019

યુવાનોને ઘેલુ લગાડનારી PUBG ગેઇમ રમતા અમદાવાદ-વડોદરાના ૮ યુવકોની ધરપકડ

વડોદરા : તાજેતરમાં જ રાજ્યના કેટલાક શહેરોમાં યુવાનોને ઘેલું લગાડનારી PUBG અને Momo ગેમ પર પોલીસ કમિશનર અને કલેક્ટર દ્વારા જાહેરમાં રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે જાહેરનામું પણ બહાર પડાયું હતું. આ જાહેરનામાના ભંગ બદલ શુક્રવારે અમદાવાદ અને વડોદરા શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી 4-4 યુવકોની આ ગેમ રમવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં પોલીસે એક સરફરાજ શેખ નામના યુવકને PUBG ગેમ રમવા બદલ જાહેરનામાનો ભંગ કરવાના કારણોસર ધરપકડ કરી હતી. અમદાવાદ શહેરનો આ પ્રથમ કેસ હતો. અમદાવાદમાં જ સેટેલાઈટ વિસ્તારમાં પોલીસે 3 યુવકોને જાહેરમાં PUBG ગેમ રમતા પકડી પાડ્યા હતા. સેટેલાઈટ પોલીસે તેમની પાસેના મોબાઈલ ફોન કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં PUBG ગેમ જાહેરમાં રમવા પર પ્રતિબંધ મુકતા જાહેરનામા પછી આ બીજો કેસ નોંધાયો છે.

વડોદરા શહેરમાં પણ પોલીસે સખત કાર્યવાહી કરતાં ચાર યુવકોને જાહેરમાં PUBG ગેમ રમતા પકડી પાડવામાં આવ્યા છે. શહેરના અકોટા વિસ્તારમાં રાધાકૃષ્ણ ચાર રસ્તા ખાતે આવેલા રોશની પાન પાર્લરની પાસે જાહેરમાં ચાર યુવકો (1) અંકિત એન. પટેલ, (2) કિર્તન સુરેશભાઈ ગાંધી, (3) સિદ્ધાર્થ એમ. ગાંધી અને (4) ડોનીલ એમ. પટેલની જાહેરમાં PUBG ગેમ રમવા બદલ ધરપકડ કરી હતી. પોલીસે આ ચારેય યુવકો પાસેથી રૂ.1,90,000ની કિંમતના તેમના મોબાઈલ ફોન કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ અગાઉ, રાજકોટ શહેરમાં પણ પોલીસે અનેક યુવકોની જેહારમાં PUBG ગેમ રમવા બદલ ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક પ્રમુખ શહેરોમાં જાહેરમાં PUBG અને Momo ગેમ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનધન આ ગેમને રવાડે ચડેલું છે અને કિંમતી સમય વેડફી રહ્યું છે. આ ગેમ હિંસક હોવાને કારણે યુવાનોની માનસિક્તા હિંસક બનવાનું જોખમ રહેલું છે. આથી, સમાજના હિતને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(4:32 pm IST)