ગુજરાત
News of Saturday, 16th March 2019

રાજયસભામાં બે બેઠકો મેળવવા કોંગીએ ધારાસભાની પેટાચૂંટણીમાં ઓછામાં ઓછી ૩ બેઠકો જીતવી જરૂરી

ગુજરાતનું પેટાચૂંટણીનું પરિણામ ૧ વર્ષ પછીની રાજયસભાની ચૂંટણી પર અસરકર્તાઃ એપ્રિલ ર૦ર૦માં શંભુપ્રસાદ, ચુનીભાઇ, લાલસિંહ અને મધુસુદન મિસ્ત્રી નિવૃત થશે

રાજકોટ, તા. ૧૬ :. ગુજરાતમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા અને એક ધારાસભ્ય ગેરલાયક ઠરવાથી ૫ બેઠકોની પેટાચૂંટણી ૨૩ એપ્રિલે યોજવાનું ચૂંટણી પંચે જાહેર કર્યુ છે. આ ૫ બેઠકોના પરિણામથી રાજ્યમાં સત્તા ક્ષેત્રે કોઈ ફર્ક પડનાર નથી પરંતુ આવતા વર્ષે રાજ્યસભાની ચૂંટણીમાં તેની અસર જરૂર પડશે. કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી તથા ભાજપના શંભુપ્રસાદ ટુંડીયા, ચુનીભાઈ ગોહેલ અને લાલસિંહ વડોદરીયાની રાજ્યસભાની મુદત ૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ પુરી થઈ રહી છે. તેની ચૂંટણી માર્ચ ૨૦૨૦માં આવવા પાત્ર છે.

૨૦૧૪માં તે વખતની ધારાસભાની સ્થિતિ મુજબ એક બેઠક કોંગ્રેસને અને ૩ બેઠક ભાજપને મળી હતી. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપનું સંખ્યા બ ળ વધતા રાજ્યસભાની ૪ પૈકી ૨ બેઠકો મળવાના સંજોગો થયેલ. જાણકારોના કહેવા મુજબ રાજ્યમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો હોવાથી ચૂંટણી પંચની ફોર્મ્યુલા મુજબ તેને ૫ વડે ભાગતા ૧ બેઠક જીતવા માટે ઓછામાં ઓછા ૩૭ મતની જરૂર પડે. કોંગ્રેસ પાસે ૭૪ ધારાસભ્યો અકબંધ રહે તો રાજ્યસભાની ૨ બેઠકો જીતી શકે તેમ છે નહિતર ૧ બેઠકથી સંતોષ માનવો પડશે. હાલ કોંગ્રેસ પાસે ૭૧ ધારાસભ્યો છે. રાજ્યસભામાં ૨ બેઠકો મેળવવા માટે પેટાચૂંટણીમાં ઓછામાં ઓછી ૩ બેઠકો મેળવવી જરૂરી છે.

આજની સ્થિતિએ ધારાસભામાં ભાજપના ૧૦૦, કોંગ્રેસના ૭૧, ત્રણ અપક્ષ, બે છોટુભાઈ વસાવાની પાર્ટીના અને ૧ એનસીપીના સભ્ય છે. ૫ બેઠકો ખાલી પડી છે તેના માટે પેટા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. જો કોંગ્રેસ ૫ પૈકી ધારાસભાની ૩ થી વધુ બેઠકો હારે તો રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સિવાયની અન્ય પાર્ટીના ધારાસભ્યો અને અપક્ષોની ભૂમિકા નિર્ણાયક બનશે.(૨-૧૧)

ધારાસભાની

આજની સ્થિતિ

ભાજપ  ૧૦૦

કોંગ્રેસ  ૦૭૧

અપક્ષ  ૦૦૩

બીટીપી ૦૦ર

એન.સી.પી.     ૦૦૧

ખાલી બેઠકો    ૦૦પ

કુલ     ૧૮ર

રાજયસભાની ૪ બેઠકોની ચૂંટણી હોય તો એક બેઠક જીતવા ચૂંટણી પંચની ફોર્મ્યુલા મુજબ ૧૮ર ના પાંચ  ભાગ કરતા ઓછામાં ઓછા ૩૭ મત જરૂરી

(3:49 pm IST)