ગુજરાત
News of Saturday, 16th March 2019

વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટકે બનાસકાંઠા લોકસભાની ટીકીટ માટે ભાજપ પાસે માંગણી કરી

અંતે વિશાળ વસ્તી અને સક્ષમતા ધરાવતા લોહાણા સમાજે પ્રતિનિધિત્વ માંગ્યું: હવે શું? આતુરતાભરી મીટઃ ઇસ્કોન ગૃપના ચેરમેન એવા આ જાણીતા ઉદ્યોગપતિએ પોતાના ઇતર સમાજ સાથેના ઘનિષ્ઠ સંબંધોનો પણ દાવેદારીમાં ઉલ્લેખ કર્યોઃ તેઓએ ગુજરાતમાં પ્રથમ વખત ભાજપ સતા પર આવી ત્યારે પણ ટીકીટ માંગેલ, પક્ષે ટીકીટને બદલે તેઓને યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન બનાવેલઃ ગત વિધાનસભાની ચુંટણીમાં લોહાણા મહાપરિષદના મંત્રી હિમાંશુભાઇ ઠક્કરે પણ કોંગ્રેસની ટીકીટ માટે પ્રયાસો કરેલાઃ મુખ્યમંત્રી કાર્યાલયના એડીશ્નલ કલેકટર દરજ્જાના ચંદ્રેશભાઇ કોટકે પણ વિરમગામ સીટ માટે માંગણી કરેલી

રાજકોટ, તા., ૧૬: લોકસભાની તમામ બેઠકો ફરી કબ્જે કરવા માટે ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતના તમામ જીલ્લાઓમાં નિરીક્ષકો દ્વારા ચાલતી સેન્સ લેવાની પ્રક્રિયામાં વિવિધ જ્ઞાતી અને સમાજના લોકો દ્વારા પોતાની જ્ઞાતીની સંખ્યા આગળ કરી દાવેદારી કરવાની શ્રૃંખલામાં વિશાળ વસ્તી અને સક્ષમતા ધરાવતી લોહાણા જ્ઞાતીના વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ પ્રવિણભાઇ કોટકે બનાસકાંઠા લોકસભાની ટીકીટ માટે ભાજપ પાસે માંગણી કરતા, ભાજપ હવે શું નિર્ણય લ્યે છે?  તેના તરફ વિશ્વભરના લોહાણા સમાજની આતુરતાભરી મીટ મંડાઇ છે.

અત્રે એ યાદ રહે કે ગુજરાતમાં જયારે ભાજપ સૌ પ્રથમ વખત સતા પર આવી અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા તે સમયે પણ કેશુબાપાનું વિશિષ્ટ રીતે સન્માન કરવા માટે જાણીતા બનેલા પ્રવિણભાઇ કોટકે પક્ષ સાથેના જોડાણ તથા ઘનિષ્ઠ સંબંધો અને ઇતર સમાજ પર પ્રભુત્વના કારણે બનાસકાંઠાની ટીકીટ માંગી હતી. જો કે એ સમયે ભાજપે તેઓને ટીકીટ ન ફાળવી પરંતુ તેઓને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન પદે નિયુકત કર્યા હતા.

ટોચના રાજકીય સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ લોહાણા મહાપરિષદના મહામંત્રી હિમાંશુભાઇ ઠક્કરે પણ ગત વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષની ટીકીટ માટે પ્રયાસો કર્યા હતા. રાજકોટના એ સમયના કોંગ્રેસી આગેવાન સાથે બેઠક પણ કરી હતી. કોંગ્રેસ દ્વારા મહદ અંશે ઉમેદવારો અંગે નિર્ણય લેવાઇ ગયો હોય પક્ષ દ્વારા લાચારી દર્શાવવામાં આવેલી.

ફરી મુળ વાત પર આવીએ તો નિરીક્ષકો સમક્ષ બનાસકાંઠા લોકસભા માટે દાવેદારી નોંધાવનાર પ્રવિણભાઇ કોટકે પત્રકારો સાથેની વાતચીતમાં પોતે ભાજપ પાસે લોકસભાની બનાસકાંઠાની ટીકીટ માટે દાવો કર્યાની બાબતને સમર્થન આપવા સાથે પોતે વર્ષોથી પક્ષના વફાદાર સૈનિક હોય ભાજપ હાઇકમાન્ડ જે કાંઇ નિર્ણય કરશે તે શિરોમાન્ય રહેશે. તેઓએ વિશેષમાં એવું પણ જણાવેલ કે અન્ય કોઇને ટીકીટ અપાશે તો પણ પક્ષની સાથે રહી તન-મન-ધનથી મદદ કરશે.

પ્રવિણભાઇએ એવું પણ જણાવેલ કે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠામાં ચૌધરી સમાજના લોકોને ઉમેદવાર તરીકે પસંદ કરાય છે. પરંતુ ભુતકાળમાં ઇતર સમાજના ઉમેદવારો પોતાના અન્ય જ્ઞાતિ સમાજ સાથેના સારા સંબંધોને કારણે ચુંટાયાના નામજોગ દ્રષ્ટાંતો આપ્યા હતા.

ભૂતકાળમાં કોંગ્રેસની ગુજરાતમાં સરકાર હતી ત્યારે સાવરકુંડલાના પીઢ આગેવાન નવીનભાઇ રવાણી, પોરબંદરના પ્રતિષ્ઠીત લાખાણી પરીવારના શશીકાંતભાઇ લાખાણી તથા જામનગર પંથકના અગ્રણી જીતુભાઇ લાલ તથા અશોકભાઇ લાલના પિતાશ્રી પ્રધાન મંડળમાં લોહાણા સમાજના પ્રતિનિધિ તરીકે સેવાઆપી ચુકયા છે. લોહાણા સમાજે પોતાની વિશાળ વસ્તી કે સક્ષમતા આગળ ધરી ભાગ્યે જ પ્રતિનિધિત્વ માંગ્યું છે. પક્ષના વફાદાર તરીકે કાર્ય કર્યુ છે.

યોગાનુયોગ ગત વિધાનસભાની ચૂંટણી સમયે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક વિભાગના એડીશ્નલ કલેકટર દરજ્જાના ચંદ્રેશભાઇ કોટકનું નામ પણ વિરમગામ બેઠક માટે પેનલમાં મુકાયું હતુ. પરંતુ કોંગ્રેસમાંથી પક્ષાંતર કરી આવેલા ઉમેદવારને ટીકીટ આપવાનું ભાજપ હાઇકમાન્ડે વચન આપ્યું હોવાથી તેઓ ટીકીટ મેળવવાથી વંચીત રહયા હતા.

(11:32 am IST)