ગુજરાત
News of Saturday, 16th March 2019

મોદી આ વખતે જીતશે તો ફરી ચૂંટણીની ગેરન્ટી નથી

અશોક ગેહલોતના વિવાદાસ્પદ નિવેદનથી હોબાળો : મોદી-સંઘના લોકોને લોકશાહીમાં વિશ્વાસ નથી : મુખ્યમંત્રી અશોક ગેહલોત

બિકાનેર, તા. ૧૫ : રાજસ્થાનના બિકાનેરમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. ગેહલોતે કહ્યું હતું કે, જો વડાપ્રધાન મોદી પોતાની પાર્ટીની સાથે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જીતીને આવશે તો આગળ ચૂંટણી થવાની કોઇ ગેરન્ટી નથી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ આ બાબત એટલા માટે કરી રહ્યા છે કે, તેમને લાગે છે કે, મોદી અને સંઘને લોકશાહીમાં કોઇ વિશ્વાસ નથી. રાજસ્થાનના ડુંગરગઢમાં ચૂંટણી સભાને સંબોધતા ગહેલોતે કહ્યું હતું કે, મોદી, ભાજપ અને સંઘને લોકશાહીને વિશ્વાસ નથી. જો મોદી પોતાની પાર્ટીની સાથે ફરી જીતીને આવશે તો આગળ ચૂંટણીની કોઇ ગેરન્ટી નથી. ગેહલોતે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ અને સંઘની વિચારધારા પોતાના વિરોધ કરવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, અંગ્રેજોના સમયમાં પંડિત જવાહરલાલ નહેરુ ૧૨ વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે હિસ્સા કરીને બાંગ્લાદેશની રચના કરી હતી. એક લાખ સૈનિકોનું સમર્પણ કરાયું હતું. આના માટે મોદીને ગર્વ કરવાની જરૂર છે. મોદીએ ચૂંટણી પહેલા કાળા નાણાં પરત લાવવા, દરેકના ખાતામાં ૧૫-૧૫ લાખ રૂપિયા જમા કરવા અને બે કરોડ લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણી ખુબ મહત્વપૂર્ણ છે. જે દેશના ભાગ્યનો ફેંસલો કરશે. મોદી, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને સંઘના લોકો વિરોધ સહન કરવાની સ્થિતિમાં નથી. કારણ કે તેમને લોકશાહીમાં વિશ્વાસ નથી. આ લોકો લોકશાહીના બુરખા પહેરીને રાજનીતિમાં ઉતરેલા લોકો છે. તેમની પાસે જનતા માટે કોઇ નીતિ અને કાર્યક્રમ નથી. ચૂંટણી આવતાની સાથે જ રામ મંદિરની વાત પણ આવી જાય છે. જો દેશમાં લોકશાહી રહ ન હોત તો મોદી ક્યારે વડાપ્રધાન બન્યા ન હોત.

(8:24 pm IST)