ગુજરાત
News of Sunday, 16th February 2020

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વધુ એક ટીકીટ સાથે છેડછાડનો મામલો ખુલ્યો : અમદાવાદ બાદ હવે રાજકોટની ટ્રાવેલ એજન્સી સામે ફરિયાદ

રાજકોટથી આવેલા પ્રવાસીઓની ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરી ૩૮૦ રૂ.ની ટિકીટના બદલે ૪૨૦ રૂ.ગણી કુલ ૮ ટિકિટમાં છેડછાડ:અમદાવાદની એક ટ્રાવેલ્સ એજન્સી દ્વારા ટિકિટની PDF ફોર્મેટમાં કિંમત સાથે છેડછાડ કર્યાની ફરિયાદ બાદ હવે રાજકોટની એજન્સી સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉ 2 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હતી,એ બાદ 2 જાન્યુઆરીએ ફરી 10 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું.ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ૨ ફેબ્રુઆરી 2020 ના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

 સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા વ્યક્તિ દીઠ વ્યુઇંગ ગેલેરી જવા માટે એક્સપ્રેસ ટિકિટના 1030 રૂપિયા નક્કી કરાયા હતા જેમાં દિલ્હીથી આવેલા 10 જેટલા પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેનિગ કરાવી રહ્યા હતા દરમિયાન એમની ટિકિટ પર દર 1260 રૂપિયા હોવાનું સ્ટાફ અને પીએસઆઇ કે.કે. પાઠકને જણાઇ આવ્યું હતું, જોકે પ્રવાસીઓને તો અંદર જવા દેવાયા હતા પણ હાજર સ્ટાફે આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહીવટદાર નિલેશ દુબેને જાણ કરી હતી. આ મામલે કેવડિયા પોલીસે અમદાવાદની ટ્રાવેલ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેની સાહિ હજુ સુકાઈ નથી ત્યાં આજે ફરી વધુ એક ટિકિટ કૌભાંડ સામે આવ્યું જેમાં પણ સ્ટેચ્યુ ઉપર સતત હાજરી આપતા નર્મદા પોલીસના જાબાજ પીએસઆઇ કે.કે. પાઠકે રાજકોટ ની એક એજન્સી મારફતે ટિકિટ લઈ આવેલા ૮ પ્રવાસીઓ ની ટિકિટ જોતા નિયમ મુજબ ટિકિટ નો દર એક ટિકિટનો ૩૮૦ રૂપિયા હોય તેના બદલે પ્રિન્ટમાં છેડછાડ કરી રૂ. ૪૮૦ કરી કુલ ૮ પ્રવાસીઓની ટિકિટ સાથે છેડછાડ સામે આવતા પીએસઆઇ પાઠકે આ મામલે કેવડિયા પો.સ્ટે.નો સંપર્ક કરતા રાજકોટની એજન્સી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.આમ ઉપરા છાપરી એક બાદ એક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ટિકિટ કૌભાંડ બહાર આવતા તંત્ર સતર્ક બન્યું છે છતાં કેટલીક એજન્સીઓ હજુ આવી છેડછાડ કરતી ઝડપાઇ રહી છે.

(5:05 pm IST)