ગુજરાત
News of Friday, 16th February 2018

નર્મદામાં પાણી ઘટતા હાફેશ્વર ખાતે ઐતહાસિક શિવમંદિરની ટોચ દેખાવા માંડી - સામાન્ય રીતે ભર ઉનાળે પાણીનુ સ્તર ઓછુ થયા બાદ મંદિર દેખાતુ હોય છે

ફોટોઃ હાફેશ્વર મહાદેવ મંદિર

સુરતઃ છોટા ઉદેપુર નજીકના દરિયામાં વચ્‍ચોવચ્ચ આવેલા શ્રી હાફેશ્વર મહાદેવ મંદિરના દર્શન દરિયામાં પાણી ઓસરતા થવા લાગ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ શિયાળો હજી પૂરો નથી થયો અને ઉનાળાની શરૃઆત નથી થઇ ત્યાર પહેલા છોટાઉદેપુર જીલ્લામાં પાણીની પારાયણ શરૃ થઇ જવા પામી છે. સરદાર સરોવર ડેમનો સ્ત્રાવ વિસ્તાર લગભગ ૨૦૦ કિલોમીટર જેટલો ફેલાયેલો છે. ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવામાં આવતા ૧૩૮ મીટર કરતા વધુ જળસંગ્રહ થવા પામ્યો હતો. પરંતુ સરદાર સરોવર ડેમમાંથી કચ્છ, કાઠિયાવાડ અને કેટલાક શહેરોમાં પણ કેનાલ દ્વારા આડેધડ રીતે પાણી પહોંચાડાયુ હતું. પાણી પહોંચાડવામાં કેટલીક જગ્યાએ પાણીનો ખોટો વેડફાટ પણ થતો જોવા મળતો હતો. પરિણામ સ્વરૃપે સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ ખુબ ઓછો થઇ જવા પામ્યો હતો.

છોટાઉદેપુર જીલ્લાના અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા હાફેશ્વર ખાતે નર્મદાનું જળસ્તર ખુબ ઓછુ થઇ જવા પામ્યુ છે. હાફેશ્વર ગામ આખુ ડુબાણમાં ગયેલું છે. ગામનું ઐતિહાસિક શિવાલય પણ આખેઆખું ડુબાણમાં જતું રહ્યુ હતું. અત્યાર સુધી શિવાલયની માત્ર ધજા જોવા મળતી હતી. ઉનાળાના સમયમાં ધજા આખી ખુલ્લી થઇ જતી હતી. પરંતુ ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમમાંથી આડેધડ પાણી કેનાલમાં છોડાતા હાફેશ્વર ખાતેના જળસ્તરમાં નોધપાત્ર ઘટાડો જોઇ શકાય છે.

હાફેશ્વર ખાતે જ્યા પાણીથી ભરેલો વિસ્તાર હતો તે હાલ ક્રિકેટનું મેદાન બની જવા પામ્યો છે. નર્મદા નદીનો જે ભાગ છે તેની ચારેબાજુ જે નાના નાના ડુંગરો આવેલા છે તેના ઉપર લગભગ બે મીટર ઊંચે પાણી હતું જે હાલ ઓછુ થઇ જતા ડુંગર પાણી ઉપર આવેલા જોઇ શકાય છે. હાફેશ્વર ખાતે નદીના પાણીના ડુબાણમાં વીજ થાંભલા જે આખેઆખા ડુબી ગયા હતા જેનો ઉપરના ભાગ પાણીમાં દેખાઇ રહ્યો છે. એટલું નહીં હાફેશ્વરના ઐતિહાસિક શિવાલયની ટોચનો લગભગ બે મીટર હિસ્સો પાણીમાંથી બહાર દેખાઇ રહ્યો છે.

(6:03 pm IST)