ગુજરાત
News of Saturday, 16th January 2021

સુરતના વરાછામાં હીરાની ઓફિસમાં કામે લાગેલ કારીગર 15 જ દિવસમાં 1.75 લાખના હીરા ચોરી ફરાર થઇ જતા ગુનો દાખલ

સુરત: શહેરના વરાછા માનગઢ ચોક ખાતે ઓફિસ ધરાવતા હીરા કારખાનેદારે ઓફિસમાં સરીન પ્લાનર તરીકે રાખેલો કારીગર કામ ઉપર જોડાયાના અઠવાડીયામાં પહેલી વખત જ નાઈટ શિફ્ટમાં નોકરી ઉપર હતો ત્યારે ભાઈ ટિફિન આપવા નીચે આવ્યો છે તેમ સહકર્મીને કહી રૂ.1.75 લાખના હીરા ચોરી ફરાર થઈ ગયો હતો.

મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ પૂર્વી સોસાયટી વિભાગ 2માં રહેતા વિઠ્ઠલભાઈ આંબાભાઈ મેંદપરાની ઓફિસમાં એક માસ અગાઉ ઓફિસમાં સરીન પ્લાનરની જરૂર હોય કારીગર પ્રશાંત શર્માની ઓળખાણથી જયદિપ રમેશભાઈ ભેસારા ગત 19 ડિસેમ્બરના રોજ નોકરીએ જોડાયો હતો.

ગત 25 ડિસેમ્બરની રાત્રે રાહુલ જયદિપને પહેલી વખત નાઈટ શિફ્ટમાં મૂકી તેને રૂ.1.75 લાખની કિંમતના 31 કેરેટ કાચા હીરા આપી ઘરે પહોંચ્યો તેના એક જ કલાકમાં અન્ય કારીગર લોકેન્દ્ર રાજપૂતનો 9.15 વાગ્યે ફોન આવ્યો હતો કે જયદિપ 9 વાગ્યે ભાઈ ટિફિન આપવા નીચે આવ્યો છે તેમ કહી નીચે ગયો છે પણ પરત આવ્યો નથી. આથી વિઠ્ઠલભાઈ અને રાહુલ ઓફિસે દોડી ગયા હતા.

(6:02 pm IST)