ગુજરાત
News of Saturday, 16th January 2021

રામમંદિરના નિર્માણમાં ગુજરાતીઓએ દાનનો ધોધ વહાવ્યો : એક જ દિવસમાં 21 કરોડ સમિતિમાં અર્પણ

ડાયમંડના વેપારી ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડ, જયંતિભાઇ કબુતરવાલા 5 કરોડ તથા 1 કરોડ લવજીભાઇ દાલિયા (બાખીયા )એ આપ્યા

રામ મંદિરના નિર્માણ માટે સુરતના હીરાના વેપારી ગોવિંદભાઇ ધોળકીયા સહિત અસંખ્ય વેપારીઓએ એક જ દિવસમાં 21 કરોડ રૂપિયા શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં અર્પણ કર્યા હતા. તેમાંથી 11 કરોડ તો એક માત્ર સુરતના ડાયમંડના વેપારી ગોવિંદભાઇ ધોળકિયાએ આપ્યા હતા. જયારે 5 કરોડ રૂપિયા જયંતિભાઇ કબુતરવાલા તથા 1 કરોડ રૂપિયા લવજીભાઇ દાલિયા (બાખીયા )એ આપ્યા હોવાનું રામ મંદિર નિધિ સમર્પણ સમિતિના ગુજરાતના ઉપપ્રમુખ દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાત દરેક ક્ષેત્રની જેમ ધર્મ ક્ષેત્રમાં પણ અગ્રેસર રહેશે.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે દાન એકત્ર કરવાનું અભિયાન શુક્રવારથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે મૂળ અમરેલી જિલ્લાના લાઠીના દૂધાળાના વતની અને હાલ સુરતમાં સ્થાયી થયેલા ગોવિંદભાઇ રામકુષ્ણ ડાયમંડના માલિક છે. તેઓ આરએસએસ સાથે વર્ષોથી જોડાયેલા છે. તેમણે શ્રી રામ મંદિર નિધિ સમર્પણમાં 11 કરોડ રૂપિયા અર્પણ કર્યા હતા. જયારે મહેશ કબુતરવાલા જેઓ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે. તેમણે 5 કરોડ અને લવજી બાદશાહએ 1 કરોડ રૂપિયા અર્પણ કર્યા હતા. તેની સાથે કોઇ વેપારીએ 5થી માંડીને 21 લાખ રૂપિયા સમર્પણ સમિતિમાં અર્પણ કર્યા છે. તો ભાજપના ગુજરાતના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા તથા કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલે 5-5 લાખ રૂપિયા અર્પણ કર્યા હતા. આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરૂ કરાયેલું આ અભિયાન 27 ફ્રેબુઆરી સુધી ચાલશે.

પાલડી ખાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ, ગુજરાત દ્વારા આયોજિત નિધિ સમર્પણ સમારોહને સંબોધતા કહ્યું કે, લાખ્ખો હિન્દુઓના આસ્થાના પ્રતિક સમા રામમંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના નેજા હેઠળનું આ અભિયાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે અને ભાવિ પેઢી તેનું ગૌરવ અનુભવશે

નાયબ મુખ્યમંત્રીએ આ અવસરે સમર્પણ નિધિમાં આર્થિક યોગદાન આપનારા દાતાઓનો આભાર માનતા કહ્યું કે, ભારત માં ઔદ્યોગિક ગૃહનું ધર્મ ક્ષેત્રમાં યોગદાનની ગૌરવવંતી પરંપરા રહી છે. એવી જ પરંપરા રામમંદિરના નિર્માણમા પણ રહેશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. નાયબ મુખ્યમંત્રીએ આ તબક્કે રામ નિર્માણ આંદોલનની ભૂમિકા પણ આપી હતી અને ભારતીય પરંપરાનું મહત્વ સમજાવી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અપીલ કરી હતી.

ગુજરાતમાં પણ લવ જેહાદના કાનૂન અંગે વિચારણા ચાલી રહી હોવાનું જણાવતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના લવ જેહાદના કાયદાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસના આધારે નિર્ણય લેવાશે એમ તેમણે ઉમેર્યું હતું.  

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં નિધિ અર્પણ કરી અને દાતાને ઉદાર હાથે દાન કરવાની અપીલ કરી હતી. આ નિધિ સમર્પણ કાર્યક્રમમાં સંતગણ અને ધર્મપ્રેમીજનો ઉપસ્થિત રહ્યા હતા.

જયારે ગુહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિર્માણ નિધિમાં 1 લાખ અર્પલ કરતાં કહ્યું હતું કે, રામ મંદિર એ માત્ર રામ મંદિર ન બની રહેતાં રાષ્ટ્ર મંદિર બની રહેવાનું છે તેનાથી ભારતની ઓળખ વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

તેમણે વટવા વિસ્તારમાં યોજાયેલા આ અંગેના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કુતિ વિશ્વમાં ગુરુસ્થાને બિરાજમાન થવા જઇ રહી છે. તેના મૂળમાં ભગવાન શ્રીરામે સ્થાપેલા માનસ્થાનો છે. આ સદીમાં ઉત્તમમાં ઉત્તમ તક મંદિર નિર્માણની મળી છે. ત્યારે આપણું કર્તવ્ય છે કે વધુમાં વધુ નિધિ મંદિર નિર્માણ માટે સમર્પિત કરીએ.

(11:11 pm IST)