ગુજરાત
News of Saturday, 16th January 2021

ભાવનગરના દારૂડિયા યુવાનને સુરત રેન્જ આઇજીને ફોન કરી ખોટી માહિતી આપવાનું ભારે પડ્યું

આઇજી રાજકુમાર પાંડિયનને તળાજાના દારૂડિયા અબુ બકર મલાડાએ ફોન કરી મેળાની ખોટી માહિતી આપવાનું ભારે પડ્યું, પોલીસે પકડી બે ગુના દાખલ કર્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : પોલીસને અનેક બાતમીદારો ફોન કરતા હોય છે. જેની મોડેસ ઓપરેન્ડી લઇ ભાવનગરના તળાજાના એક દારૂડિયાએ અંગત અદાવત માટે સુરત રેન્જ આઇજીને ફોન કરી ખોટી માહિતી આપી હતી. બીજી તરફ મેળાની માહિતી આપી નાનકડું બજાર લગાવનારાને પત્રકારના નામે ધમકાવી તેની પાસે ખંડણી માંગી હતી. જેની જાણ આઇજીને થતાં તેમણે આ શરાબી યુવાનને પકડી ગણતરીના સમયમાં જ તેને પકડાવી પાડી તેની વિરૂદ્ધ તળાજા અને વ્યારામાં ગુનો દાખલ કરાવ્યો હતો.

  સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને અકિલા સાથેની વાતચિતમાં જણાવ્યું કે, તેમને ગત સાંજે એક યુવાને ફોન કરી વ્યારામાં મેળો ભરાયો છે અને ત્યાં જુગાર રમાતો હોવાનું જણાવ્યું હતુ. તેમજ મેળામાં લોકોના ટોળે ટોળા હોવાની માહિતી આપી હતી. આ ફોનથી આઇજીને તેના વ્યવહારની ગંધ ગઇ હતી જેના પગલે તેમણે તેનું લોકેશન કઢાવી ભાવનગર પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેમણે તાપી જિલ્લાના વ્યારા પોલીસને પણ તેની જાણ કરી હતી. વ્યારા પોલીસે ઘટના સ્થળે જઇ જોતા ત્યાં કોઇ મેળો ભરાયો હોવાનું જણાયું ન હતુ. ત્યાં નાનકડું ક્રાફ્ટ બજાર ભરાયું હતુ. જેની પરવાનગી મામલતદાર પાસે લેવાઇ હતી. પોલીસે આ ક્રાફ્ટ બજાર ભરનાર ખલીલને પુછતાં તેણે જણાવ્યું કે, પત્રકારનું નામ લઇ એક યુવાન તેમની પાસે આવ્યો હતો અને તેણે પૈસાની માંગણી કરી હતી. ત્યારે આ ફોન કરનારે જ તેની પાસે પૈસાની માંગણી કરી હોવાનું બહાર આવ્યું હતુ.

 બીજી તરફ ભાવનગર પોલીસે તળાજાના અબુબકર માલીભાઇ મલાડા ને પકડી પાડ્યો હતો. તેણે દારૂ પીધો હોવાનું બહાર આવતા તેની વિરૂદ્ધ પિધેલાનો કેસ કર્યો હતો. બીજી તરફ વ્યારા પીઆઇ રાજેશ પટેલે અકિલા સાથેની વાતચિતમાં જણાવ્યું કે, ખલીલની ફરિયાદ લઇ તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ગેરમાર્ગે દોરવું ભારે પડ્યું હતુ.

(9:36 pm IST)