ગુજરાત
News of Wednesday, 16th January 2019

વાયબ્રન્ટની લ્હાયમાં ત્રિરંગો ઉંધો ફરકાવતાં મોટો વિવાદ

મહાત્મા મંદિર તરફના રસ્તા પર બનેલી ઘટના : ભારે વિવાદ-રાષ્ટ્રના ગૌરવના અપમાનની ઘટના બાદમાં ધ્યાન ઉપર આવતાં તંત્રના અધિકારીઓએ ભુલને સુધારી

અમદાવાદ,તા. ૧૬ : ગુજરાત વાયબ્રન્ટ સમિટ-૨૦૧૯ના કાર્યક્રમોની તડામાર તૈયારીઓ અને અઢળક ખર્ચ સાથે ઝાકમઝોળ દેખાડવાની લ્હાયમાં સરકારી તંત્ર દ્વારા આજે એક ગંભીર ભૂલ થયાની ઘટના સામે આવી હતી. ગાંધીનગર સરગાસણ ચાર રસ્તાથી મહાત્મા મંદિર તરફ જવાના રસ્તા પર તંત્ર દ્વારા દેશના રાષ્ટ્રધ્વને ઉંધો ફરકાવી દેવાતાં બહુ મોટો વિવાદ સર્જાયો હતો. સોશ્યલ મીડિયા સહિત સમાચાર માધ્યમોમાં રાષ્ટ્રના ગૌરવની અપમાનની આ ઘટના સમાચારમાં ચમકતા અને રાજયભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડતાં બાદમાં તંત્રએ તાબડતોબ રાષ્ટ્રધ્વજ સરખો ફરકાવી ભૂલ સુધારી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તંત્રની આ ગંભીર ચૂકને લઇ કેટલાક દેશભકત નાગરિકો અને યંગસ્ટર્સે ભારે રોષ અને નારાજગી વ્યકત કર્યા હતા. વાયબ્રન્ટ  સમિટના ઓઠા હેઠળ તંત્રએ ગુજરાતમાં બિઝનેસીસને ઈન્વેસ્ટમેન્ટ માટે મોકળું મેદાન ઊભું કરવાના પ્રયત્નો કર્યા છે. પરંતુ રૂપિયો બુધ્ધિ લઈને આવતો નથી તે વાતની સાબિતી પુરતી એક ઘટના ગુજરાતના વાયબ્રન્ટ સમિટની તૈયારીઓમાં ઘેલા બની ગયેલા તંત્રએ કરેલી ભૂલમાં સામે આવી હતી. કરોડો ખર્ચ્યા પરંતુ ભારતના ત્રિરંગામાં કેસરી રંગ અને લીલો રંગ કઈ જગ્યાએ હોય તે જ જાણે તંત્ર ભુલી ગયું હતું. ગાંધીનગરમાં સરગાસણ ચાર રસ્તાથી ખ રોડ પર મહાત્મા મંદિર તરફ જવાના રસ્તા પર તંત્રએ લટકાવેલા ઉંધા ત્રિરંગા રોડ પર જ જોવા મળતા હતા. જેને લઇ જોરદાર વિવાદ સર્જાયો હતો. દિવસ દરમ્યાન સોશ્યલ મીડિયામાં તંત્રની રાષ્ટ્રધ્વજના અપમાનનો આ મામલો વહેતો થયો હતો. જ્યાં શાળામાં ભણતા બાળને પણ ખ્યાલ હોય કે ત્રિરંગાના રંગો કયા હોય અને કેવા હોય અને કેવી રીતે હોય તો તે પણ જાણે છે ત્રિરંગામાં કેસરી, સફેદ અને લીલો રંગ હોય જેમાં કેસરી રંગ ઉપર અને લીલો રંગ નીચેના ભાગે હોય, વચ્ચે સફેદ રંગ હોય અને તેમાં અશોકચક્ર હોય છે. દેશનો આ ત્રિરંગો જ્યારે ફરકે છે ત્યારે તેના માટે સલામી ભરતા હાથ ઉઠે છે, તેના સન્માન અને માન માટે લશકર જ નહીં પણ સામાન્ય નાગરિક પણ જોખમી પગલું ભરતા ડરતો કે ડગાતો નથી. આવું માન સન્માન ધરાવતા ભારત દેશના ત્રિરંગાની તંત્રની એક ભૂલે જાહેર રોડ પર ફજેતી કરી મુકી તેવો ઘાટ ઘડાયો હતો. ગાંધીનગરના રોડ પર તંત્રની આ ગંભીર બેદરકારીનો વાયરલ થયેલો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં બહુ ચર્ચામાં રહ્યો હતો. બાદમાં તંત્રના ધ્યાન પર સમગ્ર હકીકત આવતાં તાબડતોબ રાષ્ટ્રધ્વજ સીધો કરી સરખી રીતે ફરકાવાયો હતો.

(8:16 pm IST)