ગુજરાત
News of Tuesday, 15th December 2020

ટ્રસ્ટના અધ્યક્ષે ભેસ્તાનના દંપતીના ૪ પ્લોટ પચાવ્યા

લોકોની મદદ માટેનું ટ્રસ્ટ વિવાદમાં સપડાયું : આરટીઆઇ દ્વારા દસ્તાવેજો મેળવી તપાસ કરાતા ફ્રોડનો ભાંડો ફૂટ્યો, સચીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરત, તા. ૧૪ : સુરત શહેરમાં ચાલતી નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ રસુલ પઠાણ અને તેના ભાઇએ સાગરીતો સાથે મળી ભેસ્તાનમાં રહેતા દંપત્તિના ચાર પ્લોટ બોગસ દસ્તાવેજો બનાવી પચાવી લેવાના કેસમાં સચીન પોલીસે ગુનો નોંધ્યો હતો.

લોકોની મદદ માટે કામ કરનાર ટ્રસ્ટ વિવાદમાં આવી ગયું છે જેનું કારણ છે ટ્રસ્ટનો પ્રમુખ આરોપી બની ગયો છે. માન દરવાજા ટેનામેન્ટમાં રહેતી ૩૩ વર્ષીય અફસાના શેખ અને તેનો પતિ સાજીદ શેખ ઘરેથી કટલરીનો વ્યવસાય કરે છે અને વર્ષ ૨૦૧૩માં તેમણે ભેસ્તાન ઉમીદનગરમાં આવેલા પ્લોટ નંબર ૯૧, ૯૨, ૧૩૧ અને ૧૩૨ એમ ચાર પ્લોટ .૨૦ લાખમાં લીધા હતા. પ્લોટ પોતાના પતિએ ૧૯૮૪માં ખરીદ્યો હોવાનો દાવો કરી ગોપીપુરા તાતવાડામાં રહેતાં અને નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ રસુલ પઠાણ તેના ભાઈ ઇબ્રાહિમ રસુલ પઠાણે પચાવી લીધા હતા.

સચીન પોલીસ મથકે અરજી કર્યા બાદ લોકડાઉન દરમિયાન પ્લોટ ઉપર ગ્રાઉન્ડ ફ્લોર સુધીનું બાંધકામ કરી દેતી ..પા. મિલકત સીલ કરી દીધી હતી. પ્લોટ હોવાનું જણાવી ધાકધમકી આપી રહેલાં પઠાણ ભાઈઓ અને મીઠી ખાડીના કલીમ મુનાફ શાહ દ્વારા જે દસ્તાવેજોને આધારે મિલકત ઉપર દાવો કરવામાં આવ્યો હતો તેના દસ્તાવેજો આર.ટી.આઇ. દ્વારા મેળવી તપાસ કરવામાં આવતાં ફ્રોડનો ભાંડો ફૂટ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુસુફ એન્ડ કંપનીએ રજૂ કરેલાં દસ્તાવેજો બોગસ હોવાનું જણાઈ આવતાં પોલીસે છેતરપિંડી, ફોડ ડોક્યુમેન્ટ અને કાવતરાંની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે.

સુરત નવરસર્જન ટ્રસ્ટ લોકોના હિત માટે આવેદન પત્ર આપનારી સંસ્થાના પ્રમુખ આરોપી બની જતા જવે ટ્રસ્ટ પરથી લોકોનો ટ્રસ્ટ પૂરો થઈ ગયો હોવાની ચર્ચા સુરત શહેરમાં ચાલી રહી છે. સચિન પોલીસે આરોપી યુસુફ પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:01 pm IST)