ગુજરાત
News of Saturday, 15th December 2018

૮ માસમાં રાજય પોલીસ તંત્રમાં અનુભવી અધિકારીઓનો દુ'કાળ સર્જાવાની ભીતિ

તીર્થરાજ-જે.કે.ભટ્ટ-દુધમાં સાકરની માફક ભળી ગયેલા રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી અને આઇજી શશીકાંત ત્રિવેદીઃ સરકારની ગુડસ બુકમાં નંબર વન જે.કે.ભટ્ટઃ પ્રજામિત્રનું બિરૂદ ધરાવતા મોહન ઝા, સતિષ શર્મા અને જી.વી.બારોટ જેવા પોલીસ અધિકારીઓ પોલીસ તંત્રને અલવિદા કરશે

રાજકોટ, તા., ૧૫: રાજય પોલીસ તંત્રમાં આઇપીએસ કક્ષાએ બદલી-બઢતીને હાલ તુર્ત જે બ્રેક લાગી છે તેમાં વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ, ડીજીપી કોન્ફરન્સ, પેપર લીક મામલા વગેરે કારણભૂત માનવામાં આવે છે પરંતુ એક મહત્વનું અન્ય કારણ એ છે કે રાજય પોલીસ તંત્રમાં જાન્યુઆરી માસમાં માનવાધિકાર પંચના ડીજીપી કક્ષાના  તીર્થરાજ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અને રાજય સરકાર તથા કેન્દ્રની ગુડસ બુકમાં મહત્વનું સ્થાન ધરાવતા જે.કે.ભટ્ટ નિવૃત થઇ રહયા છેે. 

આઇજી કક્ષાએ વાત કરીએ તો મે માસમાં રાજકોટના લોકો સાથે દુધમાં સાકરની માફક ભળી જઇ પ્રજાલક્ષી કામગીરી માટે અથાગ જહેમત ઉઠાવતા સિધ્ધાર્થ ખત્રી અને તેમના જેવા જ લોકપ્રિય આઇજી કક્ષાના શશીકાંત ત્રિવેદી પણ મે માસમાં નિવૃત થવાના છે.  એ દરમિયાન એપ્રિલમાં એઆરપી કમાન્ડન્ટ જી.વી.બારોટ નિવૃત થઇ રહયા છે. એડીશ્નલ ડીજીપી કક્ષાએ વાત કરીએ તો રાજય પોલીસ તંત્રના ટેકનીકલ સર્વિસના એડી ડીજીપી કક્ષાના વી.એમ.પારગી જુન માસમાં નિવૃત થવાના છે. એક એવી ચર્ચા ચાલે છે કે  તેઓની સેવાઓ ધ્યાને લઇ ડીજીપીની બઢતી આપી નિવૃત કરવા.

આજ રીતે રાજય પોલીસ તંત્રમાં બહોળા અનુભવ અને ઉમદા સ્વભાવ તથા ગુન્હેગારો સાથે કડકાઇથી કામ લેતા પ્રજામિત્રનું બિરૂદ પામેલા ડીજીપી કક્ષાના મોહન ઝા જુલાઇ માસમાં નિવૃત થશે. જયારે સુરતના એડીશ્નલ ડીજી કક્ષાના પોલીસ કમિશ્નર સતિષ શર્મા કે જેઓને કેશવકુમારની સાથે ડીજીપીનું પ્રમોશન મળનાર છે તેઓ ઓગષ્ટ માસમાં નિવૃત થઇ રહયા છે. બીજા શબ્દોમાં કહીએ તો પોલીસ તંત્રમાં અનુભવી અધિકારીઓનો દુકાળ પડે તેવી સ્થિતિ સર્જાઇ તો નવાઇ નહિ. (૪.૨)

(3:39 pm IST)