ગુજરાત
News of Monday, 15th November 2021

તરોપા હાઇસ્કુલ ખાતે પોલીસ વિભાગને લગતી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો નો પ્રારંભ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના તરોપા ખાતે શ્રી આર.એન દીક્ષિત હાઇસ્કુલ તરોપા અને શાબાશ ટ્રસ્ટ ઉમરપાડા  ના સંયુક્ત ઉપક્રમે પોલીસ વિભાગને લગતી સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગનો પ્રારંભ આદિવાસીઓના જનનાયક બિરસા મુંડા ના જન્મ દિને રાજપીપળા વિભાગ ગ્રામ કેળવણી મંડળ તરોપાના મંત્રી મીનાબેન ભણાંતના અધ્યક્ષ સ્થાને થયો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રાયોગિક પરીક્ષા ની તૈયારી જેમના માગઁદશઁન હેઠળ થાય છે તેવા સતિષભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે આમલેથા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ વસાવા,તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલકુમાર વસાવા, આ કામગીરી ને સતત પ્રોત્સાહિત કરનાર ગામના અગ્રણીઓમાં અરવિંદભાઈ ભગત, બીપીનભાઈ ભગત, નિલેષભાઈ પટેલ તાલીમાર્થીઓને પ્રાયોગિક અંગેની નિશુલ્ક સેવા પૂરી પાડનાર જિલ્લા રમત ગમત કોચ રાજેન્દ્રસિંહ રાઠોડ, લેકચરર રાજેશભાઈ ભાનુશાલી, શાબાશ ટ્રસ્ટના ટ્રસ્ટી જયંતભાઈ વસાવા અને તરોપા હાઇસ્કૂલના આચાર્ય  નિલેશકુમાર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
 આ પ્રસંગે આ તાલીમનું સોનેરી સ્વપ્ન જોનાર તરોપા હાઇસ્કૂલના આચાર્ય નિલેશકુમાર વસાવાએ ઉપસ્થિત તાલીમાર્થીઓને સખત પુરુષાર્થ દ્વારા પોલીસ ની સેવામાં જોડાય સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાની તક ઝડપવાની વાત કરી હતી આ તાલીમમાં 150 જેટલા તાલીમાર્થીઓ હાજર રહી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબજ મહેનત કરી પોતાની ઉજજવળ કારકિર્દી બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ તાલીમ 45 દિવસ સુધી તરોપા હાઇસ્કુલ ખાતે ચાલશે.
 અંતમાં શાબાશ ટ્રસ્ટના ટ્રસ્ટી જયંતભાઇ વસાવા દ્વારા તાલીમાર્થીઓને પરીક્ષાને લગતું સાહિત્ય અને તરોપા હાઇસ્કૂલ દ્વારા નોટબુકો પૂરી પાડવામાં આવી હતી.
આદિવાસી તાલીમાર્થીઓની તાલીમ નો બિરસા મુંડાજી ની જન્મ જયંતી એ શરૂઆત કરી ખરા અર્થમાં શ્રધ્ધાંજલી આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

(10:41 pm IST)