ગુજરાત
News of Monday, 15th November 2021

રીક્ષાચાલકોએ CNGના ભાવ વધારાને પાછો ખેંચવા માટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું: 15 લાખથી વધુ રિક્ષાચાલકોની 36 કલાકની હડતાળ

રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા પંદર હજારની સહાય, ચાલકો પર થતા પોલીસ અત્યાચાર બંધ કરવા વગેરે મુદ્દાઓ બાબતે 15 નવેમ્બર આખો દિવસ, 16 નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી હડતાળ પાળશે

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાદ સીએનજીના ભાવમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રીક્ષાચાલકોએ આ ભાવ વધારાને પાછો ખેંચવા માટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના રિક્ષાચાલકોનાં વિવિધ એસોસિયેશનો-સંગઠનો દ્વારા રચવામાં આવેલી સી.એન.જી. ભાવવધારા વિરોધી સમિતિ દ્વારા CNGનો ભાવવધારો પાછો ખેંચવા રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા પંદર હજારની સહાય, ચાલકો પર થતા પોલીસ અત્યાચાર બંધ કરવા વગેરે મુદ્દાઓ બાબતે 15 નવેમ્બર આખો દિવસ, 16 નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી હડતાળ પાળશે. આ હડતાળમાં જોડાવા અંગે રિક્ષાચાલક યુનિયનમાં મતમતાંતર હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષાડ્રાઈવર યુનિયન દ્વારા હડતાળમાં નહીં જોડાવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

આ મામલે અમદાવાદના જૂના સર્કિટ હાઉસ ખાતે રિક્ષાચાલકના પ્રતિનિધિઓ અને ટેક્સીચાલકના પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઇ હતી. 12 નવેમ્બરે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પણ નોંધાવ્યો હતો. રિક્ષાચાલક સમિતિએ દાવો કર્યો છે કે આંદોલનમાં 15 લાખ કરતાં વધારે રિક્ષાચાલકો અને 50 હજાર જેટલા ટેક્સીચાલકો જોડાશે.

રિક્ષાચાલક સમિતિની મુખ્ય માગ છે કે CNGના ભાવ ઘટાડવા આવે. બીજાં રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. સમિતિનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલમા વેટ ઘટાડીને ભાવ ઘટે તો CNGના ભાવમા કેમ નહીં.

રિક્ષાચાલકો અને ટેક્સીચાલક પ્રતિનિધિઓનું કહેવું છે કે CNGમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે, જેથી CNGના ભાવમાં રૂપિયા 20થી 25 રૂપિયા ટેક્સ વસૂલાય છે. જેથી પ્રતિ કિલો 9 રૂપિયાનો ઘટાડો CNGના ભાવમાં કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે.

અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડાવધારા મામલે નિર્ણય લીધો છે, જે માન્ય નથી. જેથી આગામી 15-16 ઓક્ટોબરની હડતાળ યથાવત્ રહેશે. રિક્ષાચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડાવધારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે.

(6:35 pm IST)