વડોદરામાં સયાજીગંજ પોલીસે દારૂની હેરાફેરી કરતા ત્રણ બાળકોને ઝડપી પાડયા
વડોદરા: સયાજીગંજ પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે, બે છોકરા અને એક છોકરી વિદેશી દારૃ લઇને પંડયા બ્રિજ થી નટરાજ સર્કલ તરફ આવવાના છે.બે છોકરા પાસે સ્કૂલ બેગ છે.જ્યારે છોકરી પાસે થેલો છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી.બે છોકરા અને એક છોકરી પંડયા બ્રિજ તરફથી આવતા હોય,તેઓને રોકીને ચાઇલ્ડ વેલફેર ઓફીસર મારફતે તપાસ કરાવી હતી.છોકરી પાસેના થેલામાંથી વિદેશી દારૃની ૪૮ બોટલ,અને બે છોકરાઓ પાસેથી વિદેશી દારૃની ૮૨ બોટલ મળી આવી હતી.પોલીસે પૂછપરછ કરતા સગીર વયના બાળકોએ જણાવ્યું હતું કે,બાજવા ગિરીરાજ બંગલામાં રહેતા પ્રકાશભાઇએ કહ્યું હતું કે,હું નટરાજ સર્કલ પાસે આવીને દારૃની બોટલો લઇ જઇશ.
સયાજીગંજ પોલીસે ત્રણેય બાળકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રકાશ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.ત્રણેય બાળકો પાસેથી વિદેશી દારૃની ૧૩૦ બોટલ અને એક મોબાઇલ ફોન કબજે લેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે,એક કિશોર ૧૧ વર્ષનો,બીજો કિશોર ૧૪ વર્ષનો અને કિશોરી ૧૭ વર્ષની છે.