ગુજરાત
News of Monday, 15th November 2021

અમદાવાદની ઉદ્‌ગમ ગ્રુપ ઓફ સ્‍કૂલ દ્વારા ગરીબ બાળકો માટે રસીકરણનું અનોખુ અભિયાનઃ સ્‍કૂલના એક વિદ્યાર્થીની સામે એક ગરીબ બાળકને રસી અપાશેઃ 8 હજાર વંચિત બાળકોને વેક્‍સીન આપવાનો લક્ષ્યાંક

સંસ્‍થાઓ-કોર્પોરેટ્‍સ તથા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ જોડાશે અને અભિયાનને વેગવંતુ કરાશે

અમદાવાદ: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બાળકો માટે કોવિડ-19 રસીકરણ અંગે તૈયારીઓ શરૂ કરી રહી છે ત્યારે અમદાવાદ સ્થિત ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સ તેના વિદ્યાર્થીઓ અને અન્ય બાળકો માટે વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. ગ્રુપે આ રસીકરણ અભિયાન માટે અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઈન શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સાથે હાથ મિલાવ્યા છે. આ સ્કૂલ્સ ખાતે વિદ્યાર્થી દ્વારા દરેક પેઈડ ડોઝ સામે શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા સગવડ-સુવિધાઓથી વંચિત એક બાળકને વેક્સિન આપવામાં આવશે.

આ પહેલ અંગે ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, "બાળકોને વેક્સિનના ડોઝ આપીને કોવિડ-19ના ખતરાથી બચાવવાની તાતી જરૂર છે. અમારા બાળકોના ઝડપી વેક્સિનેશન માટે અમારી સ્કૂલોના વિદ્યાર્થીઓને વેક્સિન અપાવવા અમે શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સાથે જોડાણ કર્યું છે. વાલીઓને કોવેક્સિન અને ઝાયકોવ-ડી એમ બંને વેક્સિનના વિકલ્પો મળશે."

ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સની પાંચેય સ્કૂલોમાં કુલ 8,500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલીઓ તેમના સંતાનોને વેક્સિન અપાવવા માંગે છે કે કેમ તે જાણવા માટે સ્કૂલ મેનેજમેન્ટે તાજેતરમાં જ એક સર્વે હાથ ધર્યો હતો. લગભગ 3,000 વાલીઓએ આ સર્વેમાં ભાગ લીધો હતો. જે પૈકી 99 ટકા વાલીઓએ તેમના સંતાનોને રસી મૂકાવવા માટેની ઈચ્છા દર્શાવી હતી.

આ વેક્સિનેશન અભિયાન હેઠળ સ્કૂલ મેનેજમેન્ટ હક-સગવડથી વંચિત બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખે છે. કારણ કે તેમણે આ સમયગાળા દરમિયાન ઘણું ભણતર ગુમાવ્યું છે. "સૌથી મોટો પડકાર વંચિત બાળકોના રસીકરણનો છે એટલે સમાજ પ્રત્યેનું દાયિત્વ અદા કરવા માટે અમે આ યોજના તૈયાર કરી છે. સ્કૂલ્સ ખાતે એક વિદ્યાર્થી વેક્સિન લેશે તેની સામે શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા એક વંચિત બાળકને રસી આપવામાં આવશે. જો અમારા તમામ વિદ્યાર્થીઓ સ્કૂલ્સ ખાતે વેક્સિનના ડોઝ લેશે તો 8,000 વંચિત બાળકોને વેક્સિન આપવાને અમારો લક્ષ્યાંક છે."

શેલ્બી હોસ્પિટલ્સના ગ્રુપ સીઓઓ ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે, "આ ઉમદા પહેલથી ખાનગી હોસ્પિટલ્સમાં કોવિડ વેક્સિનેશનનો ખર્ચ જેમને પોસાય છે તેવા વાલીઓના બાળકો ઉપરાંત આવી પહેલથી વંચિત બાળકોને પણ ઝડપથી વેક્સિન મેળવવામાં મદદ મળશે. અમે શક્ય એટલા બાળકોને વેક્સિન પૂરી પાડવા માટે અન્ય સ્કૂલ્સ, બાળકોના માટે કામ કરતી સંસ્થાઓ, કોર્પોરેટ્સ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાવા અંગે પ્રયત્નશીલ છીએ. આ ઉપરાંત, અમદાવાદની જ નહીં પરંતુ સુરત, વાપી, જયપુર, ઈન્દોર, મુંબઈ, મોહાલી અને જબલપુર જેવા શહેરોમાં પણ બાળકોના વેક્સિનેશન માટે જોડાણ અંગે અગ્રીમ તબક્કામાં વાટાઘાટો ચલાવી રહ્યા છીએ."

(5:16 pm IST)