ગુજરાત
News of Friday, 15th November 2019

અમૂલમાં દૂધની આવક ૩૨ લાખથી ઘટીને ૨૨.૫ લાખ લિટર થઇ : શિયાળામાં આવક વધશે

દેશ ભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું : ખેડૂતોએ ઘર ચલાવવા સાથે પશુપાલન પણ કરવું જોઈએ, તોજ ભવિષ્ય બનશે : રામસિંહ પરમાર

નડિયાદ,તા.૧૫: અમૂલમાં દૂધની આવક વધીને દરરોજના ૩૨ લાખ લિટર સુધી પહોંચી હતી. દેશભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. હાલમાં અમૂલમાં રોજ ૨૨.૫ લાખ લિટર જ દુધ સુધી પહોંચે છે.લૃ તેમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને ચેરમેન રામસિંહ પરમારે નડિયાદ ખાતે યોજાયેલા સહકારી સપ્તાહની ઉજવણી સંદર્ભે મળેલી સભામાં ચિંતા વ્યકત કરી હતી.

આ પ્રસંગે રામસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ ઘર ચલાવવા ખેતી સાથે પશુપાલન કરવું જોઈએ. તો જ ભવિષ્ય બનશે. અગાઉ પશુપાલનને પ્રોત્સાહન આપવા કેડીસીસી બેન્ક અને અમૂલ દ્વારા લોન આપતા દૂધની આવક વધી હતી. હજુ ગયા વરસે જ અમૂલમાં રોજ ૩૨ લાખ લિટર દૂધ આવતું હતું. જેના પગલે દૂધની બાય પ્રોડકટ બનાવવામાં આવી હતી. દૂધની પીક સિઝન હજુ આવી નથી. શિયાળો જામશે તેમ દૂધ વધશે. જોકે, હજુ વિયાણ ચાલુ જ થયું છે. આ વખતે વિયાણ મોડું છે. ત્રણેક વરસમાં આવી ખાસ સાઇકલ આવતી જ હોય છે. ધીરે ધીરે વધશે. પરંતુ હાલ સાઇકલ મોડી છે.

(3:50 pm IST)