ગુજરાત
News of Wednesday, 14th November 2018

ગાંધીનગરના ઉદ્યોગભવન બહાર પાર્ક ગાડીમાં અચાનક આગ ભભૂકી

ગાંધીનગરના ઉદ્યોગભવન બહાર પાર્ક ગાડીમાં અચાનક આગ લાગી હતી.ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

  આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના મોટેરામા આવેલા વિઠ્ઠલ વાઇબ્રન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ પટેલ પોતાની મારુતિ કાર લઈને ગાંધીનગર આવવા સવારે નીકળ્યા હતા. દરમિયાન બપોરના બે વાગ્યાની આસપાસ તેમણે પોતાની કાર ઉદ્યોગ ભવનના પાછળના ભાગે પાર્ક કરી હતી. અને તે સમય દરમિયાન 10થી 15 મિનિટના ગાળામાં કાર ભડભડ સળગી ઉઠી હતી

  કારમાં આગ લાગી હોવાની વાતને લઈને આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. તેમજ લોકોના ટોળા કાર જોવા માટે ઉમટી પડયા હતા. તે દરમિયાન ગાંધીનગર ફાયર બ્રિગેડને કોલ કરતા તેમની ટીમ ઘટના સ્થળે આવી ગઇ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

(1:16 am IST)