ગુજરાત
News of Tuesday, 15th October 2019

ગોતાબ્રીજ પાસે BMWથી ઉતારી વેપારીને માર મરાયો

પિતા અને તેના બે પુત્રોએ વેપારીની ધોલાઇ કરી : સોસાયટીમાંથી ઘર ખાલી કરી જતા રહેવા નહી તો મારી નાંખવા પિતા-પુત્રોએ આપેલી ધમકી : પોલીસમાં ફરિયાદ

અમદાવાદ, તા.૧૫ : ગોતાબ્રીજ પાસે એક બીએમડબલ્યુ કાર આંતરી તેમાંથી વેપારીને ઉતારી માર મારવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી. વેપારીની સોસાયટીમાં જ રહેતા એક પિતા અને તેના બે પુત્રોએ ભેગા મળી વેપારીની ધોલાઇ કરી હતી. એટલું જ નહી, આ પિતા-પુત્રોએ વેપારીને સોસાયટીમાંથી ઘર ખાલી કરી જતા રહેવા અને નહી તો, તેમને મારી નાંખવાની ધમકી આપી હતી. વેપારીએ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  જેના આધારે હવે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વીર સાવરકર હાઈટ્સમાં-૨માં રહેતાં અને મેઘાણીનગર તથા દૂધેશ્વરમાં ઓફિસ ધરાવતાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટનો વેપાર કરતાં આશુતોષ પાંડે તેમનાં ઘરેથી બીએમડબ્લ્યુ લઈ ઓફિસ જવાં નીકળ્યાં હતાં. ત્યારે વસંતનગર ગેટથી ગોતાબ્રીજ તરફ પહોંચતાં એક બાઈક ચાલકે બાઇક લઇ આવી તેમની કારનીઆગળ ઊભું રાખી દીધું હતું.

            તે સમયે આશુતોષભાઈએ કારનો કાચ ખોલીને જોયું તો તેમની સોસાયટીમાં રહેતા કનુભાઈ પટેલ તથા તેમનાં બે દીકરા ચેતન અને આશિષ તથા પાંચ ઈસમ કાર ફરતે ઊભા થઇ ગયા હતા. ચેતનભાઈએ આશુતોષભાઈ પાસે આવીને ધમકી આપતા કહ્યું હતું કે, તું અહીંનો નેતા થઈ ગયો છે, તું અમારા ગુજરાતીનો વિરોધી થઇ ગયો છે, તું મકાન ખાલી કરીને જતો રહે, નહીં તો તને અને તારી ફેમિલીને ઉડાવી દઈશું તેમ કહીને ધમકી આપ્યાં બાદ તેનો કોલર પડકીને લાફા ઝીંકી દીધાં હતાં. તે જ સમયે ચેતનનાં ભાઈ આશિષે લાકડાનો ડંડો લઇ આવીને બીએમડબ્લ્યુનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. કનુભાઇ પણ આશુતોષને કારમાંથી બહાર કાઢો, આજે ને આજે પતાવી દો, આજે તો જીવતો નથી જ જવા દેવાનો તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. આશુતોષને માર મારતાં હતાં ત્યારે આસપાસનાં લોકો આવી જતાં તમામ શખ્સો નાસી ગયાં હતાં. આ મારામારી દરમ્યાન આશુતોષની ત્રણ તોલાની ચેઇન કયાંક પડી ગઈ હતી. આશુતોષ પાંડેએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આઠ ઈસમ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(8:39 pm IST)