ગુજરાત
News of Monday, 15th October 2018

પંચમહાલ જિલ્લાના ભાટમાંથી પોલીસે કુણ નદીમાં થતું રેતી ખનન ઝડપ્યું

શહેરા: તાલુકાના ભાટના મુવાડા અને લાલપુરી ગામે આવેલી કૂણ નદીમાં રેતીનું ખનન કરતા રેતી માફીયાઓ ઉપર ખાણ ખનીજ ખાતા તેમજ પંચમહાલ આર.આર.સેલે દરોડો પાડ્યો હતો, જેમાં રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા રેતી માફીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 

- પંચમહાલ જીલ્લામાં આવેલી નદીઓમાંથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરીની થતી હોવાનું જાણવા મળે છે. એ જ પ્રકારે શહેરા તાલુકાના ભાટના મુવાડા તેમજ લાલપુરી ગામમાંથી પસાર થતી કૂણ નદીમાં એક માસ ઉપરાંતથી નાવડી વડે ગેરકાયદેસર રીતે રેતી કાઢવામાં આવી રહી હતી. જેમાં ટ્રક અને ટ્રેકટર જેવા વાહનોમાં રોયલ્ટી વગર રેતીની હેરાફેરી થતી હોવાને લઈને જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા પંચમહાલ આર.આર.સેલને સાથે રાખીને ગેરયદેસર રીતે કૂણ નદીમાં રેતીનું ખનન થઈ રહ્યું હતું ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે સ્થળ ઉપરથી રેતી ચોરોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને નદી પરથી ખાણ ખનીજ વિભાગ દ્વારા બે નાવડી તેમજ બે ઈટાચી મશીન સહિત રૂ.50 લાખથી વધુનો ખાણ ખનીજ વિભાગે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે ગેરકાયદેસર ખનીજ ચોરી કરીને ખનીજ ચોરો સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા હતા. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા 6 જેટલા ખનીજ ચોરો સામે લાલ આંખ કરતા ખનીજ ચોરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

(5:14 pm IST)