ગુજરાત
News of Monday, 15th October 2018

સુરતમાં ઉત્તર ભારતીયો પર કોઇપણ હુમલાઓ થયા નથી

બિહારી નાગરિકનું મોત અકસ્માતથી થયું છે : જાડેજા :અકસ્માતથી મોતને પરપ્રાંતિય હુમલા સાથે જોડવું નિંદનીય છે : છેલ્લા સપ્તાહમાં કોઇપણ બનાવ બન્યો નથી : જાડેજા

ગાંધીનગર, તા. ૧૪ : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સુરતાં વસતા ઉત્તર ભારતીયો ઉપર હુમલાનો એક પણ બનાવ બન્યો નથી. ગઇકાલે જે બિહારી નાગરિકનું મોત થયું છે તે અકસ્માતને કારણે થયું છે જેને પર પ્રાંતિયના હુમલા સાથે જોડવું અત્યંત નિંદનીય છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, રાજ્યના વિકાસમાં છ કરોડ ગુજરાતીઓ સહિત અન્ય રાજ્યોમાંથી રોજગાર અર્થે આવતા નાગરિકોનું પણ યોગદાન રહ્યું છે ત્યારે સૌને સુરક્ષા પુરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. જાડેજાએ ઉમેર્યું છે કે, રાજ્યમાં પરપ્રાંતિય પર જે હુમલાના બનાવો થયા છે તેમાં સુરત ખાતે એક પણ બનાવ બન્યો નથી. ગઇકાલે જે કમનસીબ ઘટના બની છે તેમાં બિહારી નાગરિકનું મોત થયું છે તે નાગરિક વર્ષોથી સુરતમાં રહેતા હતા. તેઓ પુરપાટ ઝડપે બાઈક લઇને નિકળ્યા હતા અને તેમનું બાઇક પહેલા ઝાડ સાથે અને ત્યારબાદ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો અને તેમનું મોત નિપજ્યું હતું. આ કમનસીબ ઘટનાને પરપ્રાંતિયના હુમલા સાથે જોડાવવાનો નિંદનીય પ્રયાસ થઇ રહ્યો છે જે અત્યંત દુખદ છે. તેમણે ઉમેર્યું છે કે, સુરત શહેરમાં વર્ષોથી ઘણા ઉત્તર ભારતીય નાગરિકો રહે છે અને ક્યારેક પણ આવા બનાવો બન્યા નથી. સાથે સાથે રાજ્યમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં આવા હુમલાનો કોઇ બનાવ બન્યો નથી. જેના પરિણામે રાજ્યમાં ભાઈચારાની ભાવના બળવતર બની છે અને નાગરિકો કોઇપણ જાતના ભય વગર શાંતિથી જીવનનિર્વાહ કરી રહ્યા છે અને ગયેલા લોકો પણ પરત ફર્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, રાજ્યના વિકાસમાં સૌનો ફાળો છે અને સૌને સુરક્ષા પુરી પાડવા માટે રાજ્યની સરકાર પ્રતિબદ્ધ છે.

(9:41 pm IST)