ગુજરાત
News of Wednesday, 15th September 2021

મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના કાર્યાલયમાં ફરજ બજાવતાં 36 અધિકારીઓની બદલી કરાઈ :મૂળ વિભાગોમાં નિમણૂંકો

કેબિનેટ વિસર્જન થતાં તમામ કેબિનેટ તથા રાજયકક્ષાના મંત્રીઓના કાર્યાલયો બંધ થયા: બંગલાઓ ખાલી થવાની કામગીરી પણ શરૂ થશે

અમદાવાદ : ગુજરાતના નવા મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળતાં જ તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના મંત્રીમંડળનું વિસર્જન થયું હતુ. તેથી મુખ્યમંત્રી કાર્યાલય સહિત મંત્રીમંડળના સર્વે કેબિનટ મંત્રીઓ તથા રાજયકક્ષાના મંત્રીઓના કાર્યાલયો તે તારીખ-સમયથી બંધ થતાં તેઓના કાર્યાલયોની તમામ જગ્યાઓ આપોઆપ રદ થયા હતા. જેથી આ જગ્યાઓ ઉપર પ્રતિનિયુક્તિથી ફરજ બજાવતાં 36 અધિકારીઓને સામાન્ય વહીવટ વિભાગે 13મી સપ્ટેમ્બરના બપોર બાદથી ફરજ મુક્ત કરીને તેઓને મૂળ વિભાગોમાં નિમણૂંકો કરવામાં આવી હતી. જો કે આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતાં ચાર આઇએએસ અધિકારીઓની પણ બદલી કરીને તેમની જગ્યા ઉપર અન્ય આઇએએસ અધિકારીઓની નિમણૂંકો અંગેનું જાહેરનામુ બહાર પાડયું હતું.

સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિની મંત્રીમંડળમાં રચના થાય ત્યારે તે વ્યક્તિ પોતાના વિશ્વાસુ માણસોને રાખતાં હોય છે. પરંતુ પર્સનલ સેક્રેટરી સહિતની મહત્વની જગ્યા પર અધિકારીઓની નિમણૂંકો સરકાર તરફથી કરવામાં આવતી હોય છે. આ અધિકારીઓમાં ઉપરોક્ત અધિકારીઓનો સમાવેશ થતો હતો. નવા મંત્રીમંડળની રચના થતાં મંત્રીઓને અધિકારીઓની ફાળવણી અંગેના હુક્મો કરવામાં આવશે.

તે જ રીતે નવા મંત્રીમંડળની રચના થતાં જ બાદબાકી થનારા મંત્રીઓ દ્વારા પોતાના કાર્યાલય ખાલી તેમજ બંગલાઓ પણ ખાલી કરી દેવામાં આવશે. જો કે કેટલાંક મંત્રીઓએ તો પોતાના કાર્યાલય પણ ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. તે જ રીતે મંત્રીઓએ તો કાર પણ સરકારમાં જમા કરાવી દેવાની રહેશે. તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તો નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત થતાંની સાથે જ તેઓ કાર્યકારી મુખ્યમંત્રી બનતાં જ તેમને પોતાની કાર ઉપરથી પોતે જાતે જ લાલ લાઇટ કાઢતાં હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નિમણૂંક બાદ હવે નવા મંત્રીમંડળની રચના થવાની છે. જેમાં મંત્રી પદ મેળવનારી વ્યક્તિઓને પણ સરકાર તરફથી મંત્રીઓના બંગલાઓમાં બંગલા ફાળવાતા હોય છે. નવું મંત્રીમંડળ રચાતાં જ આ મંત્રીઓને સરકારી બંગલા ફાળવવામાં આવશે. તેની સામે મંત્રી મંડળમાંથી પડતા મૂકાયેલા મંત્રીઓએ પોતાના બંગલા નવા મંત્રીઓ માટે ખાલી કરવાની તજવીજ હાથ ધરશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

(9:39 pm IST)