ગુજરાત
News of Sunday, 15th September 2019

ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ

ચાંદલોડિયાની વૃદ્ધાએ ફરિયાદ દાખલ કરી : પુત્રીને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી બે લાખ રૂપિયા પડાવ્યાનો વૃદ્ધાનો આક્ષેપ : ઉંડી તપાસ શરૂ કરાઈ

અમદાવાદ, તા.૧૫ : ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે વધુ એક ફરિયાદ થઈ છે. ચાંદલોડિયામાં રહેતા એક વૃદ્ધાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઢબુડી સામે ફરિયાદ કરી છે. જેમાં પોતાની દીકરીને સરકારી નોકરી અપાવવાના લાલચે રૂપિયા બે લાખ પડાવ્યા હોવાનો વૃદ્ધાએ આક્ષેપ કર્યો છે. વૃદ્ધાએ મોમાઈ ભક્ત મંડળ ટ્રસ્ટના નામે અપાયેલી રસીદ પણ પોલીસ સામે રજૂ કરી છે. જેને લઇ હવે ધનજી ઓડ ઉર્ફે ઢબુડીના કથિત ઠગાઇ પ્રકરણમાં વધુ ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના અનુસંધાને ત્રણ દિવસ પહેલાં જ મોડી રાત્રે ૧૧.૪૫ વાગ્યે ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા હાજર થયો હતો. પેથાપુર પોલીસે બપોર બાદ આપેલા બીજા સમન્સ બાદ તે પોલીસ સ્ટેશનમાં જવાબ આપતા પોલીસે જવા દીધો હતો, જેને લઇ લોકોમાં અનેક અટકળો અને તર્ક-વિતર્કો વહેતા થયા હતા.

          કારણ કે, થોડા દિવસ પહેલાં જ ગાંધીનગર કોર્ટ દ્વારા આરોપી ધનજી ઓડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હોવાથી તેની ધરપકડની સંભાવનાઓ વધી ગઇ હતી પરંતુ પોલીસે શા માટે આ અંગે કોઇ પગલાં લીધા નહી તેને લઇને સવાલો ઉઠયા હતા. બીજીબાજુ, ધનજી ઓડે પોલીસ સમક્ષ હાજર થયા બાદ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા અપાયેલા સમન્સને અનુસંધાને હાજર રહી જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઢડાના રહીશે પેથાપુર પોલીસસ્ટેશનમાં ધનજી ઓડ સામે અરજી કરી હતી કે, તે અંધશ્રદ્ધા ફેલાવે છે. અરજીમાં આક્ષેપ કરાયો હતો કે, અરજદારના પુત્રને કેન્સર હોવાથી ત્રણ વર્ષ પહેલાં તેઓ ધનજી ઓડ પાસે ગયા હતા અને ધનજીના કહેવાથી દવા બંધ કરી દેતા પુત્રનું મોત થયું હતું. આ અરજી બાદ તાજેતરમાં જ ગાંધીનગર સેશન્સ કોર્ટે ધનજી ઓડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારે હવે ચાંદલોડિયાની વૃધ્ધા દ્વારા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી વિરૂધ્ધ રૂ.બે લાખ પડાવ્યાની ફરિયાદ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે.

(9:35 pm IST)