ગુજરાત
News of Sunday, 15th September 2019

કાંકરેજના આંગણવાડા ગામે પરિવારજનોને ઘેનયુક્ત ભોજન ખવડાવી પયુવતી ઘર છોડીને પ્રેમી સાથે ફરાર

બે દિવસ બાદ ફરિયાદ નોંધતા ખોરાકના એફ એસ એલના સેમ્પલ લેવાયા નથી

કાંકરેજના તાલુકાના આંગણવાડા ગામમાં પ્રેમમાં અંધ બનેલી એક દીકરીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પરિવારને ભોજનમાં ઘેનયુક્ત નશાવાળું ભોજન ખવડાવી રાત્રીના સમયે ઘર છોડીને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. સવારે પરિવારના સભ્યો વોમિટ કરતા દીકરી ઘરે ન જણાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘાયલ હાલતમાં પરિવારના ચાર સભ્યોને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. બાદમાં પરિવારે દીકરી અને તેના પ્રેમી વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મામલાની ગંભીરતાને જોતા કેસની તપાસ સિહોરી સર્કલ પોલીસ ઇન્સ્પેકટરને સોંપવામાં આવી છે. ગુન્હો બે દિવસ બાદ દાખલ થયો હોવાથી ખોરાકના સેમ્પલ લેવાની કામગીરી પણ થઈ શકી ન હતી.

કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામમાં રહેતા શિવુભા વાઘેલાએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે " મારી બેન વિલાસબા છે. જેમનું ગામના વજુભા ઇસુભા વાઘેલા સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને ઘરની બહાર નીકળવા દેતા ન હતા અને તેની લગ્નની વાતચીત ચાલતી હતી દરમિયાન બુધવારે રાત્રે નવ વાગે વિલાસ બા રાત્રે ભોજન બનાવ્યું હતું જે આરોગી સુઈ ગયા હતા સવારે મ ઊંઘ ઉડતી ન હતી. ઉભો થવા જતા ચક્કર આવતા હતા અને જમીન પર પડી ગયો હતો મારી મમ્મી, મારી પત્ની અને મારી દીકરીને પણ ચક્કર આવતા બધાને ઉબકા અને ઊલ્ટી આવવા લાગી હતી.

આજુબાજુમાંથી પાડોશી આવી અને અમને પાટણની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં હોશમાં આવતા જાણવા મળ્યું કે મારી નાનીબેન અમારા ગામના વજુભા ઈસુભા વાઘેલા સાથે ભાગી જવાનો પ્લાન બનાવેલો હોઇ અમે રાત્રે જાગીએ નહીં તે માટે જમવાનું બનાવતી વખતે એણે ખાવા માં દવા નાખી દીધી હતી જેના થી અમને તેની આડ અસર થઈ હતી. " આ અંગે શિહોરી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે "યુવતીએ પરિવારજનોને મારી નાખવાના ઇરાદે નહીં પરંતુ ઘેનયુક્ત પદાર્થ ખાવામાં આપ્યો હોઈ શકે.

પરિવારે જે ખોરાક આરોગ્યો હતો તે લીધા બાદ પાટણ સારવાર લેવા પહોંચ્યા હતા. જેથી 2 દિવસ બાદ ફરિયાદ નોંધતા તેમણે જે ખોરાક લીધો હતો તેના એફ એસ એલના સેમ્પલ લેવાયા ન હતા. જેથી ખાવામાં શુ નાખ્યું હતું તે જાણી શકાયું ન હતું.

સમગ્ર મામલે પરિવાર સાથે વાત કરતા તેમણે અમારા કુટુંબમાં આ પ્રકારની ઘટના ઘટતાં અમારા માટે સહન કરવી મુશ્કેલ હોવાનું જણાવી કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

(6:50 pm IST)