ગુજરાત
News of Sunday, 15th September 2019

સુરતમાં રોકડ-મોબાઇલ ચોરીની શંકાથી યુવાનને માર માર્યાનો વિડીયો વાયરલ થતા બે વ્‍યકિત સામે ગુન્‍હો નોંધાયો

સુરત : સુરતમાં મોબાઇલ અને રૂપિયાની ચોરીની આશંકાએ એક યુવાનને તાલિબાની સજા આપવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરતમાં યુવકને માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવાનને નગ્ન કરી ક્રુરતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો હોવાનું જણાય છે. મારનો ભોગ બનેલો યુવાન મદદ માટે આજીજી કરી રહ્યો છે. તેમ છતાં તેની મદદે કોઇ આવતું નથી.

આ વીડિયો સુરતના ભટારના અલથાણ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનારનું નામ ધર્મેશ હોવાનું અને સમગ્ર ઘટના 2 દિવસ પહેલાની હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી ખટોદરા પોલીસે આ મામલે 2 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ધર્મેશની ફરિયાદના આધારે આરોપી ગોટ્ટીયા અને અરબા નામના શખ્શો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

(3:24 pm IST)