ગુજરાત
News of Sunday, 15th September 2019

અંબાજી : મહામેળામાં રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા

અંબાજી મહા મેળાની શ્રદ્ધા વચ્ચે પુર્ણાહુતિઃ મેળાના સમાપન અવસરે જાડેજા ઉપસ્થિત : દોઢ કિલોથી વધુ સોનુ અને રૂપિયા ૩.૭૦કરોડથી વધુની રોકડ આવક

અમદાવાદ,તા. ૧૪: અંબાજી મહામેળાની આજે પુર્ણાહુતી થઈ હતી. છેલ્લા છ દિવસથી અંબાજીમાં દર્શન કરવા માટે પહોંચેલા શ્રદ્ધાળુઓનો આંકડો આશરે ૨૦ લાખની આસપાસ પહોંચી ગયો હતો. આજે તેમાં લાખો લોકો બીજા ઉમેરાઈ ગયા હતા આની સાથે જ અંબાજી મેળામાં પહોંચેલા શ્રદ્ધાળુઓનો આંકડો રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. આજે અંબાજી મેળાના છેલ્લા દિવસે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ પોલીસ પરિવાર તરફથી અંબાજી મંદિરમાં ધ્વજા રોહણ કર્યું હતું. મેળાના સમાપન પ્રસંગે પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે પહોંચીને મંદિરમાં પૂજા પણ કરી હતી. જાડેજાએ પ્રચંડ જયઘોષ સાથે માતાજીની આરતી કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં જાડેજાએ કહ્યું હતું કે, ભાદરવી મહા મેળામાં દુર દુરથી લાખો યાત્રીઓ અંબાજી આવીને ધન્ય અનુભવ કરે છે. નર્મદા ડેમ ૧૩૮ની સપાટીએ છલોછલ ભરાયો છે. આજે છેલ્લા દિવસે પણ શ્રદ્ધાળુઓમાં પડાપડી થઈ હતી. જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું આજે સમાપન થયુ હતુ. લાખો શ્રધ્ધાળુઓ ગુજરાત અને રાજય બહારથી દૂર દૂરથી માતાજીના દર્શન માટે અને ભાદરવી પૂનમના મેળા માટે ઉમટયા હતા. જેના કારણે અંબાજીમાં બોલ માડી અંબે, જય..જય...અંબેના ભકિતનાદ સતત ગુંજી ઉઠયા હતા. ભાદરવી પૂનમના મેળાના સમાપન સુધીમાં રાજ્યના ખૂણે ખૂણેથી અને રાજય બહારથી મળી અંદાજે ૧૭ લાખથી વધુ ભક્તોએ મા અંબાના પાવનકારી દર્શનનો લ્હાવો લીધો હતો. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ માતાજીની આરતી ઉતારીને ધજા ચઢાવી હતી તેમજ સૌની મનોકામના પૂર્ણ કરવા આશીર્વાદ માગ્યા હતા. તેમણે જણાવ્યું કે, મહામેળા પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે વ્યાપક સુવિધાઓ ઉભી કરવામાં આવે છે અને માતાજીની કૃપાને લીધે એકપણ નાનો સરખો અનિચ્છનિય બનાવ બન્યો નથી. દરમ્યાન માંઇભકત એવા નેબ્રોસ ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ(અમદાવાદ)ના માલિક નવનીત શાહે રૂ.૩૧.૯૬ લાખની કિંમતનું એક કિલો સોનુ માતાજીના ચરણોમાં અર્પણ કર્યુ હતું. સુપ્રસિધ્ધ અંબાજી માતાને આ વર્ષે સાત હજારથી નાની-મોટી ધજાઓ ચઢાવવામાં આવી હતી, જેમાં ગુજરાતભરમાંથી પદયાત્રા કરીને આવતાં વિવિધ સંઘોએ લાંબી લાંબી ધજાઓ સાથે માતાના ધામમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને વર્ષો જૂની પરંપરા નિભાવી હતી. જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા ચઢાવવામાં આવી હતી. ગત તા.૮ સપ્ટેમ્બરથી તા.૧૩ સપ્ટેમ્બર સુધીમાં ૩ લાખ ૧૦ હજાર ૫૭૬ ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો હતો, જ્યારે ૨૨ લાખ,૭૭ હજાર,૧૦૫ પ્રસાદીના પેકેટસનું મંદિર ટ્રસ્ટ તરફથી વિતરણ કરવામાં આવ્યું હતુ, જયારે આ છ દિવસ દરમ્યાન કુલ રૂ.ત્રણ કરોડ, ૬૭ લાખ, ૩૬ હજાર , ૭૭૨ની આવક મંદિર ટ્રસ્ટને થઇ હતી. તો, ૧૨૩ ગ્રામ સોનું પણ ભકતોએ દાનમાં આપ્યું હતું. જો કે, આજે નવનીત શાહના નામના એક ભકતે તો વળી, એક કિલો સોનાનું દાન અંબાજી મંદિરમાં કર્યું હતુ, જેની કિંમત રૂ.૩૧.૯૬ લાખ થતી હતી. આ માંઇ ભકત છેલ્લા ચાર વર્ષથી અંબાજી મંદિરમાં દર વર્ષે નિયમિત રીતે સોનાનું દાન આપતા આવ્યા છે, જેને લઇ અન્ય શ્રધ્ધાળુ ભકતોમાં ભારે ધાર્મિક આસ્થા છવાઇ હતી. આજે ભાદરવી પૂનમના મેળાના સમાપન સુધીમાં રાજ્યના ખૂણે ખૂણેથી અને રાજય બહારથી મળી અંદાજે ૧૭ લાખથી વધુ ભક્તોએ મા અંબાના પાવનકારી દર્શનનો લ્હાવો લીધો હતો. ગુજરાતભરમાંથી પદયાત્રા કરીને આવતા વિવિધ સંઘોએ લાંબી લાંબી ધજાઓ સાથે માના ધામમાં શીશ નમાવ્યું હતું. છઠ્ઠા દિવસે બપોર બાદ ત્રિશૂળિયા ઘાટ રોડ પર પદયાત્રીઓની સંખ્યા નહિવત જોવા મળી હતી. અલબત્ત પૂનમિયા સંઘો જય અંબેના જયઘોષ સાથે અંબાજી પહોંચી ગયા હતા. કરોડો શ્રદ્ધાળુઓના દુઃખ હરનારી મા અંબાના સાનિધ્યમાં લાખો પદયાત્રિકોએ દર્શન કર્યા બાદ વતનની વાટ પકડી હતી. ગઇકાલે માત્ર શુક્રવારે મેળાના છઠ્ઠા દિવસે બે લાખ માઈભક્તો પગપાળા અંબાજી પહોંચ્યા હતા. છઠ્ઠા દિવસે ૨૧ ગ્રામ સોનું મા અંબાને ચઢાવાયું હતું. મા અંબાને મળેલી ભેટસોગાદ અને પ્રસાદની કુલ આવક પોણા ચાર કરોડ જેટલી નોંધાઈ છે. મેળાના છ દિવસ દરમ્યાન ૮.૩૪ લાખ મુસાફરો એસટીમાં બેસી પરત રવાના થયા હતા. અંબાજીના પવિત્ર યાત્રાધામમાં આ વખતે સાત હજાર કરતાં વધુ નાની-મોટી ધજાઓ શ્રધ્ધાળુ ભકતો અને વિવિધ સંઘો દ્વારા ચઢાવાઇ હતી. જ્યારે આરોગ્ય વિભાગે ૨.૯૨ લાખ દર્દીઓની સારવાર કરી હતી.

(9:47 pm IST)