ગુજરાત
News of Sunday, 15th September 2019

સુરતમાં કાપડ માર્કેટની 1000 જેટલી દુકાનો સીલ: ફાયર સેફ્ટીની સુવિધા નહિ હોવાથી મોટી કાર્યવાહી

ટેક્સટાઇલ માર્કેટમાં મોટીસંખ્યામાં દુકાનો સીલ કરતા વેપારીઓમાં દોડધામ

સુરત શહેરના રીંગ રોડ વિસ્તારમાં ફાયર સેફ્ટીના અભાવે ટેક્સટાઇલ માર્કેટની 1000 જેટલી દુકાનોને સુરત ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવતા વેપારીઓમાં દોડધામ મચી હતી.

સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ પણ વેેપારીઓ અને રહીશો ફાયર સેફ્ટીના સાધનો વસાવવામાં આળસ બતાવી રહ્યા છે, ત્યારે શહેરના રિંગરોડ ખાતે આવેલ રૂષભ માર્કેટ, રોહિત એસ.સી. માર્કેટ, શંકર માર્કેટ અને લક્ષ્‍મી માર્કેટને સુરત ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ તેઓ દ્વારા કોઇ પગલાં લેવામાં નહિ આવતા 1000 જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવી છે.

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રોજ હજારો લોકોનો જમાવડો હોય છે પરંતુ રૂષભ માર્કેટ, રોહિત એસ.સી. માર્કેટ, શંકર માર્કેટ અને લક્ષ્‍મી માર્કેટના વેપારીઓએ ફાયર સેફ્ટીના નિયમનું અમલીકરણ નહીં કરાતા આખરે સુરત ફાયર વિભાગની દ્વારા આ ચારેય માર્કેટની 1000 જેટલી દુકાનોને સીલ મારી દેતા વેપારીઓ દોડતા થઇ ગયાં છે.

(1:57 pm IST)