સુરતના વરાછામાં એકલી પરિણીતાનો લાભ લઇ છેડછાડ કરી બદનામ કરવાની લાલચ આપનાર વિરુદ્ધ ફરિયાદ
સુરત:વરાછા અટલજીનગરમાં ૨૯ વર્ષીય પરિણિતાને એકલી ભાળી ઘરમાં ઘૂસી છેડછાડ કરતા અને મોબાઇલ ફોનમાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી પૈસા માંગતા ભાડૂઆત અને તેના મિત્ર વિરૂદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા અટલજીનગરમાં પોતાના બાળકો સાથે માતા-પિતાના ઘરે રહેતી ૨૯ વર્ષીય પરિણિતા નિર્ભયા (નામ બદલ્યું છે)ના ઘરમાં ચાર વર્ષ અગાઉ સોયબ ઉર્ફે મોનુ જમીરખાન ભાડૂઆત તરીકે રહેતો હતો. નિર્ભયા ઘરમાં એકલી હોય ત્યારે સોયબ ઘરના દરવાજા આગળ ઉભો રહી તેને જોયા કરી અભદ્ર ઇશારા કરતો હતો.
નિર્ભયાને એકલી ભાળી તે ઘરમાં ઘૂસી તેની મરજી વિરૂદ્ધ છેડછાડ કરતો હતો. નિર્ભયાની જાણ બહાર સોયબે પોતાના મોબાઇલ ફોનમાં તેના ફોટા પણ પાડી લીધા હતા અને તે ફેસબુક ઉપર મુકી બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતો હતો. તેમાં તેનો મિત્ર મધુ રઘુભાઇ માળી પણ સાથ આપતો હતો.