ગુજરાત
News of Saturday, 15th September 2018

ખેડૂતોના દેવા નાબુદીનો મુદ્દો ચૂંટણી સુધી સળગતો રહેશે

હાર્દિક માંગણીઓ પુરી કરાવવામાં નિષ્ફળ પણ ખેડૂતોના મનમાં મુદ્દો ઘુસાડવામાં સફળઃ ગ્રામીણ ક્ષેત્રે ભાજપ માટે પડકાર મજબુત થયો

રાજકોટ તા. ૧પ :.. પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલે પાટીદાર અનામતની માંગણી અને ખેડૂતોના દેવા નાબુદીની માંગણી કરીને ૧૮ દિવસ ઉપવાસ કરેલા. સરકારે તેની માંગણીઓ સંદર્ભે કોઇ આશા, આશ્વાસન કે વચન ન આપતા તેણે ઉપવાસ આંદોલનનો સંકેલો કરી લીધો છે. દેખીતી રીતે હાર્દિકનું આંદોલન પરિણામ વગરનું લાગે છે. સરકાર પાસે માંગણીઓ પૂરી કરાવવામાં નિષ્ફળતા છતાં દેવા નાબુદીની વાત ખેડૂતોના મનમાં ઘુસાડવામાં તેને સફળતા મળી છે. કોંગ્રેસે પણ તેની લડાઇને ખૂલ્લુ સમર્થન કરતા ખેડૂતોનો મુદ્ે ચૂંટણી સુધી સળગતો જ રહે તેવા એંધાણ છે.

ભાજપે કોંગ્રેસ એન હાર્દિકની લડાઇને સંયુકત ગણાવી અસરહીન બનાવવા પ્રયાસ કર્યો છે. પણ કોંગ્રેસ આ મુદાનો ભરપુર લાભ લેવા માંગે છે. તા. ૧૮ અને ૧૯ મીએ મળનાર વિધાનસભા સત્રમાં આ જ મુદ્ે ગાજતો રહેશે. વિપક્ષે વિધાનસભા ઘેરાવ સહિતની તૈયારી કરી છે.

અનામતની માંગણી બાબતે વાસ્તવિકતા સૌ જાણે છે. તેથી કોંગ્રેસે તે બાબતે કોઇ સ્પષ્ટ વાત કરવાના બદલે મગફળી કૌભાંડ અને ખેડૂતોના દેવા નાબુદીનો મુદ્ે પકડી લીધો છે. સરકારને દેવા નાબુદ કરવાનું અર્થિક રીતે પરવડે તેમ નથી. ખેડૂતોનો રોષ રાજકીય રીતે પરવડે તેમ નથી. જો સરકાર આ માંગણી ન સ્વીકારે તો ખેડૂતોને અન્યાય કર્યો છે તેવી દલીલ ધારદાર બનાવવાનો કોંગ્રેસ અને હાર્દિકને મોકો મળશે. અધુરામાં પુરૂ ખેતીની દ્રષ્ટીએ વરસ માઠુ થવાના સંકેત છે. જો ધારણા  મુજબ ખેડૂતોનો મુદો લોકસભાની ચૂંટણી સુધી ગાજતો રહે તો ગ્રામીણ ક્ષેત્રે ભાજપ માટેનો પડકાર મજબુત વધુ થઇ જશે. (પ-૧૮)

(12:20 pm IST)