ગુજરાત
News of Friday, 14th September 2018

રામોલમાં ફાયનાન્સર પર છરી અને તલવારથી કરાયેલ હુમલો

લાકડા ગેંગના લુખ્ખાતત્વોનો ફરીથી પૂર્વમાં આંતક : ફાયનાન્સર પર હુમલો કરીને ૪૦ હજારની લૂંટ ચલાવી રામોલ પોલીસ મથકમાં છ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદ, તા.૧૪ : શહેરના રામોલ વિસ્તારમાં ગઇકાલે લાકડા ગેંગના કુખ્યાત લોકોએ એક ઓફિસમાં ઘૂસીને ફાઇનાન્સર પર ધારદાર હથિયારો વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે મોડી રાતે લાકડા ગેંગ દ્વારા ખેલાયેલા આ લોહિયાળ ખેલમાં ફાઇનાન્સરને આડેધડ તલવાર અને છરીના ઘા ઝીંકીને ૪૦ હજાર રૂપિયાની લુંટ ચલાવી હતી. બનાવને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સીટીએમ વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા અને સિંધવાઇનગરમાં આવેલ સુભાષ કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સની ઓફિસ ધરાવતા નવનીત હીરાલાલ સોનીએ રામોલ પોલીસ સ્ટેશનમાં લાકડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ૬ લોકો વિરુદ્ધમાં હત્યાની કોશિશ તેમજ ધાડની ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ગઇકાલે રાતે નવનીત અને તેમનો મિત્ર ઓફિસમાં બેઠા હતા તે સમયે કાર અને બાઇક પર ધારદાર હથિયાર લઇને લાકડા ગેંગના સભ્યો આવી પહોંચ્યા હતા. લાકડા ગેંગ ચલાવનાર યોગેશ દદ્દા, અરુણ ચૌહાણ, અભિષેક રાજપૂત, નિખિલ કાંચો, અર્જુન મદ્રાસી અને સરદારસિંગ રાજપૂતે નવનીતની ઓફિસમાં ઘૂસીને તેના પર હિંસક હુમલો કરી દીધો હતો. તમામ લોકો તલવાર અને છરા લઇને આવ્યા હતા. નવનીત કંઇ પણ સમજે તે પહેલાં તેના પર હુમલો કરવાનો શરૂ કરી દીધો હતો. તમામ લોકોએ આડેધડ તલવાર અને છરાના ઘા નવનીત પર હુલાવીને તેને લોહીલુહાણ કર્યો હતો અને ત્યારબાદ ૪૦ હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. નવનીતને છોડાવવા વચ્ચે પડેલા તેમના મિત્ર ઉપર પણ તમામ લોકોએ હુમલો કરી દીધો હતો. લોહીથી લથપથ નવનીતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલાં રૂપિયાની લેતીદેતી મામલે અરુણે નવનીતનું અપહરણ કર્યું હતું. અરુણ અને તેના સાગરીતો નવનીતનું અપહરણ કર્યા બાદ તેને સૂમસામ જગ્યા પર લઇ ગયા હતા, જ્યાં તેને માર માર્યો હતો અને ત્યારબાદ છોડી મૂકવામાં આવ્યો હતો. આ મામલે નવનીતે રામોલ પોલીસ સ્ટેશનમાં અરુણ અને તેના સાગરીતો વિરુદ્ધમાં અપહરણની ફરિયાદ કરી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ અમરાઇવાડી, ખોખરા, હાટકેશ્વર, રામોલ વિસ્તારમાં માત્ર લાકડા ગેંગ નહીં, પરંતુ કાચીંડા ગેંગ, વિષ્ણુ મારવાડીની ગેંગ, સત્યા ગેંગ, ફ્રેકચર ગેંગ, કોકરોજ ગેંગ જેવી ગેંગ પણ સક્રિય છે. તમામ ગેંગનું કામ કોઇની સોપારી લેવી, પ્રોપર્ટી પર કબજો કરવો, વ્યાજનો ધંધો કરવો, દાદાગીરી કરવી, ચોરી લૂંટફાટ મચાવી, દારૂ અને જુગારનો ધંધો કરીને પોતાનું તેમજ ગેંગનું પ્રભુત્વ વધારે છે. સ્થાનિકોમાં ડર બેસાડીને આ ગેંગ બિનધાસ્ત ગુનાઇત કૃત્ય આચરે છે. અમરાઇવાડી, ખોખરા, હાટકેશ્વર, રામોલમાં ટોપ પર લાકડા ગેંગ ચાલી રહી છે. યોગેશ દદ્દાના ઇશારે ચાલતી આ ગેંગમાં પ૦૦ કરતાં વધુ સભ્યો છે ,જેમાં એક ફોન પર ધારદાર હથિયાર લઇને ગમે ત્યાં પહોંચી જાય છે. આ ગેંગનું તેમના વિસ્તારમાં પ્રભુત્વ એટલું છે કે પોલીસ પણ તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરતી નહી હોવાથી સ્થાનિક રહીશોએ પોલીસને આવા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી છે.

(7:24 pm IST)