ગુજરાત
News of Friday, 14th September 2018

ફુલ સૂંઘાડી ૮૦ હજારની મતા ચોરનાર આરોપીઓ ઝડપાયા

અરણેજ રોડ પર થોડા સમય પહેલા બનેલો બનાવ : ગઠિયાઓ બનાવ વખતે ૧૦ ગ્રામની સોનાની વીંટી તથા ગળામાં પહેરેલી ૩૦ ગ્રામની રુદ્રાક્ષની માળા ચોરી હતી

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ રોડ ઉપર ફુલમાં માદક પદાર્થ સુંઘાડી બેભાન કરીને એક વ્યક્તિ પાસેથી રૂ.૮૦ હજારની સોનાની લૂંટ કરનાર આરોપીઓ અને સોનું ખરીદનાર સોનીની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આ સમગ્ર મામલે આગળની તપાસ જારી રાખી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, તા.૧પ જુલાઈ, ર૦૧૮ના રોજ ધંધૂકાના ખડોળ ગામના રહેવાસી લાખુભાઇ કેશુભાઈ વાળા અરણેજ રોડ ઉપર પોતાની બુલેટ લઇ જઇ રહ્યા હતા. એક સફેદ રંગની કાર લાખુભાઇને ઓવરટેક કરી રોડ પર ઊભી રહી હતી. દરમિયાનમાં કારચાલકે લાખુભાઈ પાસે ધોળકાના કલિકુંડ જવા રસ્તો પૂછ્યો હતો. કારચાલકે લાખુભાઈને કારની અંદર બેઠેલા બાપુ પાસે તેનાં દર્શન કરવા માટે જણાવ્યું હતું. લાખુભાઇએ જ્યારે કાર પાસે જઇને તેની અંદર જોયું તો તેમાં નાગા બાવા જેવા દેખાતા માણસને નમસ્કાર કહ્યું હતું. ત્યારે બાવાએ લાખુભાઈ પાસેથી એક રૂપિયો દાન જોઇએ છે તેમ જણાવતાં લાખુભાઈએ એક રૂપિયાની જગ્યાએ દસ રૂપિયા આપ્યા હતા. ત્યારે નાગા બાવાએ કહ્યું કે જમીનમાંથી એક કાંકરી આપવાનું કહેતાં અને કાંકરી આપતાં કાંકરી ઉપર ફૂલ મૂક્યું હતું. આ ફૂલને ફરિયાદીએ માથે ચડાવતાં જ તેઓ બેભાન થઇ ગયા હતા. ત્યારબાદ લાખુભાઈ સંપૂર્ણ રીતે ભાનમાં આવતાં પોતાના જમણા હાથમાં પહેરેલી ૧૦ ગ્રામની સોનાની વીંટી તથા ગળાની પહેરેલી ૩૦ ગ્રામની રુદ્રાક્ષની માળા ગાયબ છે. બે અજાણ્યા ઇસમો લાખુભાઇને કોઇ માદક પદાર્થ સુંઘાડી રૂ. ૮૦ હજારની મતા લૂંટી નાસી ગયા હતા. પોલીસે લાખુભાઇને શકદારના ફોટા બતાવતાં લાખુભાઈ બંનેને ઓળખી ગયા હતા. પોલીસે તપાસ કરતાં બને આરોપીઓ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગણેશપુરા ગામના મદારીનગરના રહેવાસી હોઈ અરજણ ભરવાડને ઝડપી લીધો હતો જ્યારે એક ફરાર થઇ ગયો હતો. પોલીસે આ સમગ્ર મામલામાં આગળની તપાસ હાથ ધરી છે.

(7:23 pm IST)