ગુજરાત
News of Friday, 14th September 2018

પેટલાદ તાલુકાના જોગણ ગામે રહસ્યમય રીતે દંપતી ગૂમ થતા તપાસ શરૂ

પેટલાદ:તાલુકાના જોગણ ગામે આવેલા સુથાર ફળિયામાં રહેતું એક દંપતી રહસ્યમ રીતે ગત ૧૪મી મેના રોજથી ગુમ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પેટલાદ શહેર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર કલ્પેશભાઈ હિંંમતભાઈ પટેલ (ઉ. વ. ૩૫)પોતાની પત્ની કાજલબેન ઉર્ફે પાર્વતીબેન (ઉ. વ. ૩૨)ની સાથે જોગણ ગામે આવેલા પિતરાઈ ભાઈને ત્યાં રહેતા હતા અને તેમની અનાજ કરિયાણાની દુકાને બેસીને મદદ કરતા હતા. ગત ૧૪મી મેના રોજ સાંજના સુમારે આ દંપતી ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળ્યું હતુ. જેથી લાગતાવળગતા તમામ સગાસંબંધીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી પરંતુ મળી આવ્યા નહોતા. પોલીસના જણાવ્યા અનુસાર કલ્પેશે રાજસ્થાનની કાજલબેન ઉર્ફે પાર્વતીબેન સાથે ત્રણેક વર્ષ પહેલા પીપળાવ આશાપુરી માતાના મંદિરે ફુલહાર કરીને લગ્ન કર્યા હતા. તેઓને કોઈ સંતાન નથી. કલ્પેશના પિતા અસ્થિર મગજના છે, જ્યારે માતા નથી. એક ભાઈ છે તે પણ પિતરાઈ ભાઈની સાથે રહે છે. જેથી એવું મનાઈ રહ્યું છે કે, દંપતી રાજસ્થાન જતુ રહ્યું હોય. પોલીસ દ્વારા રાજસ્થાનના સરનામાની શોધખોળ હાથ ઘરી છે. 
બીજી તરફ દંપતી ગુમ થયાને ચાર મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈ ભાળ ના મળતાં પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે.

(4:42 pm IST)