ગુજરાત
News of Friday, 14th September 2018

કઠલાલ ચોકડી નજીક પોલીસે એલઇડી સાથે એક શખ્સને શકમંદ હાલતમાં ઝડપ્યો

કઠલાલ: ચોકડી પરથી પોલીસે એલઈડી ટીવી સાથે એક ઈસમને શકમંદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. આ ઈસમની પૂછપરછમાં સરખેજ અમદાવાદમાં થયેલ ચોરીનો ભેદ ખુલતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. 
કઠલાલ પોલીસ કઠલાલ ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન ચોકડીએ એક શખ્સ એલઈડી ટીવી લઈને શકમંદ હાલતમાં ઉભેલો મળી આવ્યો હતો. જેથી તેને ઝડપી લઈને તપાસ કરતા બે એલઈડી ટીવી મળી આવ્યા હતા. જે ટીવીના માલિકપણ તથા બિલના પુરાવા માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જેથી તેને પોલીસ મથકે લાવીને નામઠામ પુછતાં તે કિશન ઉર્ફે મહેશ રતીલાલ દેવીપૂજક (રે. અમદાવાદ શાંતિપુરા, એમલહુડ)નો હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ એલઈડી ટીવી સરખેજ અમદાવાદ સર્કલ પાસે આવેલી ટીવીની દુકાનમાંથી પચ્ચીસેક દિવસ પહેલા તેના મિત્ર મહેશભાઈ રમેશભાઈ દેવીપૂજક સોલંકી (રે. ખેડા કેમ્પ) સાથે મળી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. 
આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા ચોરીનો ગુનો નોંધાયો હોય પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે સરખેજ પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ઘરી છે.

(4:41 pm IST)