ગુજરાત
News of Monday, 15th August 2022

નડિયાદ તાલુકાના બિલોદરા ચોકડી નજીક કતલખાને લઇ જવાતા પાંચ પશુઓને બચાવી લેવામાં આવ્યા:એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ : નડિયાદ તાલુકાના બિલોદરા ચોકડી પાસેથી ગૌરક્ષક દળના સભ્યોએ ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવા માટે એક પીકઅપ ડાલામાં મુશ્કેટાટ રીતે બાંધી લઈ જવાતી ત્રણ ભેંસો તથા બે પાડા મળી પાંચ પશુઓ બચાવી લેવાતા જીવ દયા પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. આ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ જૂના બિલોદરા ચંદ્ર દર્શન સોસાયટીમાં મિહિર દિલીપભાઈ પટેલ રહે છે. તેઓ ખેડા જિલ્લા ગૌરક્ષકના પ્રમુખ તરીકે સેવા આપે છે. દરમિયાન ગૌરક્ષક સેનાના સભ્યો બિલોદરા રોડ ઉપર એક દુકાન આગળ બેઠા હતા. દરમિયાન એક પીકઅપ ડાલુ ફુલ સ્પીડમાં કપડવંજ થી નડિયાદ તરફ જતા ગૌરક્ષક સેનાના સભ્યોએ તેનો પીછો કરી ઊભી રખાવી હતી. તેઓએ પીકઅપ ડાલુના ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રિઝવાન ઉલ્લા અમન ઉલ્લાખાન પઠાણ (રહે. મહુધા) હોવાનું જણાવ્યું હતું. પીકપ ડાલામાં તપાસ કરતા પીકઅપ ડાલા માં ત્રણ ભેંસો તથા બે પાડા કિંમત રૂ. ૬૨ હજાર ના બચાવી લેતા જીવ દયા પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે રિઝવાન ઉલ્લા પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)