ગુજરાત
News of Saturday, 15th August 2020

કોરોનાની મહામારીને દૂર કરવા જન આંદોલનમાં સ્વતંત્રતાના આંદોલન જેવી જ સમાનતા છેઃ સીએમ વિજયભાઇ રૂપાણી

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ગાંધીનગરમાં કરાઇઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ધ્વજ વંદન કરાયું

ગાંધીનગર :કોરોના કાળમાં આ વખતે ગુજરાતમાં રાજ્યકક્ષાના આઝાદી પર્વ ની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદી પર્વની ઉજવણી દર વર્ષે અલગ-અલગ જિલ્લામાં કરવાની શરૂઆત કરાવી હતી. પરંતુ આ વખતે કોરોના મહામારી હોવાથી આઝાદી પર્વની ઉજવણી ગાંધીનગરમાં જ થઈ છે. દેશના 74મા સ્વતંત્રના પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભા અને મહાત્મા મંદિર વચ્ચે આવેલા સ્વર્ણિમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે માત્ર 250 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. જેના બાદ તેઓએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. સ્વતંત્રતાના આ પર્વમાં કોરોના વૉરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જો વરસાદ પડે તો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેવી સુવિધા સાથે મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જેના પર ઉભા રહીને વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. 

ગુજરાતવાસીઓને સંબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને દૂર કરવા જન આંદોલન ચાલ્યું છે. તેમાં સ્વતંત્ર આંદોલન જેવી ઘણી સમાનતા છે. કોરોનાની મહામારી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચળવળ શરૂ કરાવી છે, તે સારી આદતો અને સ્વચ્છતાની કોરોનાથી મુક્ત અપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે સ્વરાજથી સુરાજ પર ભાર મૂક્યો. સામાજિક ડિસ્ટન્સ જરૂરી છે. તેથી મર્યાદિત સંખ્યામાં લોકોને બોલાવીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ પાર્કમાં ઉજવણીની વિશેષતા છે કે, અહીં સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે. કોરોનાને સંક્રમણને કારણે વિકાસયાત્રા ધીમી પડી છે, પણ તેને ફરી ગતિશીલ બનાવવા માટે જરૂરી કામો થઇ રહ્યા છે. 

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ખેડૂતો માટેની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ સહિતના થતા નુકસાન માટે પણ રૂપિયા લીધા વગર યોજના જાહેર કરી છે. ૩૨ લાખ ટન કરતાં વધારે કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને રાત્રે ઉજાગરા ન કરવા પડે અને એ માટે દિવસ દરમિયાન વીજળી મળે તેવી યોજનાઓ અમલમાં મૂકી છે. ઉદ્યોગોમાં પહેલા ઉત્પાદન પછી પરમિશન નીતિ અપનાવાતી તેનો ફાયદો ગુજરાતને મળી રહ્યો છે. 49 મિલિયન ડોલરના મૂડી રોકાણમાં ગુજરાત અવ્વલ નંબરે છે. વિદેશ મૂડીરોકાણમાં 240 ટકાનો વધારો ગુજરાતમાં થયો છે. ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો 3.4 ટકા છે. કોરોનાની સ્થિતિમાં લઘુ ઉદ્યોગોને બેઠા કરવા માટે 1300 કરોડથી વધારે રૂપિયા આપ્યા છે. શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યું છે મેડિકલ કોલેજોમાં બેઠકોમાં વધારો કર્યો છે. જ્ઞાનકુંજ અંતર્ગત 15000 ડિજિટલ ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના 9 લાખ યુવાનોને નમો ટેબલેટ આપવામાં આવ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટી હજારથી વધુ આદિવાસી ખેડૂતોને ખેડે એની જમીનનો લાભ આપવામાં આવ્યો છે. ગુજરાતના 60 લાખ પરિવારોને મા અમૃતમ યોજનાનો લાભ આપી આરોગ્યલક્ષી સેવાઓ આપી છે. ભ્રષ્ટાચાર સામે આ સરકારે પગલાં ભર્યાં છે. કોરોનામાં મૃત્યુ કરીને ઘટાડીને 2.1 ટકા કરવામાં સફળતા મળી છે. 

(10:02 am IST)