ગુજરાત
News of Saturday, 15th August 2020

મેડિકલ કોલેજોની ફી માફી કેમ કરાઈ નથી : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાતહાઈકોર્ટનો સરકારને સવાલ : હાઈકોર્ટનો સરકાર અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને સાથે બેસી જનહિતમાં તત્કાળ નિણર્ય લેવાનો આદેશ

અમદાવાદ,તા.૧૪ : ફી વસૂલવા મુદ્દે રાજ્ય સરકારના બેવડા ધોરણની ઝાટકણી કાઢતાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે એકતરફ સરકાર શાળામાં ફી મુદ્દે વાલીઓને રાહત આપી રહી છે ત્યારે સરકારે મેડિકલ કોલેજોમાં ફી માફી કે રાહત કેમ આપી નથી.

હાઈકોર્ટે આ મુદ્દે સરકાર અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને સાથે બેસી જનહિતમાં નિણર્ય લેવાનો આદેશ કર્યો છે.ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે સરકારની બેવડી નીતિની ઝાટકણી કાઢી છે. રાજ્યમાં ખાનગી, ટ્રસ્ટ અને સોસાયટી દ્વારા સંચાલિત મેડિકલ કોલેજ કે ખાનગી કોલેજ અથવા એન્જીનિયરિંગ કોલેજોમાં કેમ ફી માફી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી.

વર્તમાન સ્થિતિમાં દેશમાં કોઈ વૈકલ્પિક શૈક્ષણિક સિસ્ટમ નથી ત્યારે ઓનલાઈન એજ્યુકેશન બાળકો માટે સૌથી શ્રેષ્ઠ છે.નોંધનીય છે કે હાઈકોર્ટે અગાઉ ફી માફી મુદ્દે રાજ્ય સરકારને માત્ર ટ્યુશન ફી સિવાય અન્ય કોઈ ફી ન વસૂલવાનો આદેશ કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટના શાળામાં ફી ન વસૂલવાના નિણર્ય સામે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં હાઈકોર્ટે મેડિકલ કોલેજ અને ખાનગી કોલેજોમાં વસૂલતી ફીની નોંધ લીધી છે. આ મુદ્દે હાઈકોર્ટે સરકારને બધા પક્ષકારો સાથે બેસીને નિણર્ય લેવાનો આદેશ કર્યો છે.

(9:28 pm IST)