ગુજરાત
News of Thursday, 15th August 2019

સુરતમાં ઉછીના પૈસા આપવાનું કહી નીકળેલ યુવાન રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ જતા અરેરાટી: તપાસના આધારે તળાવમાંથી લાશ મળી આવી

સુરત:ઉછીના લીધેલા પૈસા આપવાનું કહીને નીકળેલો કોસાડ આવાસનો યુવાન રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ આજે તેનો મૃતદેહ મોરાભાગળના સુભાષ ગાર્ડનના તળાવમાંથી મળી આવતા તેની સાથે કોઇ અઘટિત ઘટના બની હોવાની આશંકા સેવાય રહી છે.

અમરોલી કોસાડ આવાસમાં રહેતો અજય ગોવિંદ દેવીપુજક (ઉ.વ. 24) ગત રોજ ઘરેથી ઉછીના લીધેલા પૈસા પરત આપવા જહાંગીરપુરા જવાનું કહીને નીકળ્યો હતો. પરંતુ મોડી રાત સુધી તે પરત ઘરે આવ્યો ન્હોતો. દરમ્યાનમાં આજે સવારે તેનો મૃતદેહ મોરાભાગળ સુભાષ ગાર્ડનની બાજુમાં તળાવમાંથી મળી આવ્યો હતો. અજયના મૃતદેહ મળ્યો ત્યારે તેના મોંઢા પર રૃમાલ બાંધેલો હતો. તેના પરિવારે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા કેટલાક દિવસથી તેના મિત્રો તેની પાસે ઉઘરાણી કરી રહ્યા હતા અને તેને કારણે તે માનસિક તણાવમાં રહેતો હતો. ઉલ્લેખીનીય છે કે અજય ઇન્ડિયન ગેસ કંપનીના ગોડાઉનમાં મજુરી કામ કરતો હતો. એક તરફ લેણદારોનું દબાણ અને બીજી તરફ પૈસા પરત આપવા નીકળેલા અજયની રહસ્યમય સંજોગોમમાં લાશ મળી આવતા તેની સાથે કોઇ અઘટિત ઘટના ઘટી હોવાની આશંકા વચ્ચે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)