ગુજરાત
News of Thursday, 15th August 2019

સંજીવ ભટ્ટને રાખડી બાંધવા જતી ૩૦૦ બહેનોને રોકાઈ

હાર્દિક પટેલની પણ અટકાયત કરવામાં આવી : કોંગ્રેસના બે ધારાસભ્યોની પણ અટકાયત : સંજીવ ભટ્ટને બાંધવા માટે વિદેશથી ૨૫ હજાર રાખડી આવી : અહેવાલ

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદથી ૩૦૦ બહેનોની સાથે હાર્દિક પટેલ જેલમાં બંધ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રક્ષાબંધને રાખડી બાંધવા માટે જતા હતા. ત્યારે પાલનપુર જતા રસ્તામાં પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરી હતી અને તેને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જેને પગલે ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો હતો. પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને મારાના સહિત કુલ ૨૮ લોકોની પોલીસે અટકાયત કરી છે. અમે શાંતિપૂર્વક બહેનોને લઈને સંજીવ ભટ્ટને રાખડી બાંધવા જતા હતા.

પોલીસે અમારી ખોટી રીતે અટકાયત કરી છે. ભટ્ટને મળવાનો સમય પૂરો થઈ ગયો હોવાથી અમે જેલમાં નહીં જઈએ. ગઢ ખાતેનો અમારો કાર્યક્રમ પણ અમે રદ્દ કર્યો છે. પાલનપુરના એનડીપીએસ(નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ) કેસ મામલે આઇપીએસ સંજીવ ભટ્ટ પાલનપુર હાલમાં જેલમાં છે. સંજીવ ભટ્ટની કારકિર્દી હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે. સને ૧૯૯૦ના કસ્ટોડીયલ ડેથ મામલે જામનગર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટને ૨૦૧૧માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દૂરઉપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ૨૦૧૫માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી. આજે સંજીવ ભટ્ટને ૩૦૦ બહેનો રાખડી બાંધવા માટે ગઈ હતી. સંજીવ ભટ્ટ માટે દેશ વિદેશમાંથી ૨૫ હજાર રાખડીઓ આવી છે. હાર્દિક પટેલ અને ૩૦૦ બહેનો રાખડી લઇને આજે પાલનપુર જેલ રવાના થયા હતા. જો કે, તે પહેલાં જ હાર્દિક પટેલની અટકાયત થઇ જતાં ફરી એકવાર સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું.

(7:47 pm IST)