ગુજરાત
News of Tuesday, 14th August 2018

આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યા કેસની સુનાવણી કરી રહેલ જજે કરી રાઉન્ડ ધ ક્લોક સુરક્ષાની માંગ :CBI ને લખ્યો પત્ર

 

અમદાવાદ :આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યાના કેસની સુનાવણી કરી રહેલા જજ કે એમ દવે વતી તત્કાલિન પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટ જજ  એ આર પટેલે સીબીઆઈ ડાયરેક્ટરને પત્ર લખીને જજ માટે રાઉન્ડ ધ ક્લોક સુરક્ષાની માગ કરી હોવાનું સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું છે. 

  આરટીઆઈ અમિત જેઠવાની હત્યાના કેસની સુનાવણી હવે વિશેષ સીબીઆઈ જજ કે એમ દવે કરી રહ્યા છે અને તેમણે આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોતાની તેમજ પરિવારની સુરક્ષા માટે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે જેઠવા હત્યા કેસમાં જૂનાગઢના ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી મુખ્ય આરોપી છે અને તે હાલ જામીન પર છે. 

  સીબીઆઈના સૂત્રોએ જણાવ્યા મુજબ કે એમ દવે વતી તે વખતના પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટ જજ એ આર પટેલે ચાલુ વર્ષે જૂનમાં સુરક્ષા પુરી પાડવા પત્ર લખ્યો હતો. જો કે આ મુદ્દે જજ કે એમ દવેએ જણાવ્યું કે હાલ પ્રક્રિયા ચાલુ છે અને આ અંગે વધુ કંઈજ કહેવું નથી. તમે સંબંધિત વિભાગને પૂછી શકો છો. 

આ બાબતે સીબીઆઈ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કેસ, જજ પટેલે સુરક્ષા પુરી પાડવા માટે અમિત જેઠવા મર્ડર કેસનો ઉલ્લેખ કર્યો હતો. પત્રમાં તત્કાલિન પ્રિન્સિપલ જજે જણાવ્યું હતું કે આ કેસની ટ્રાયલ વિશેષ જજ કે એમ દવે ચલાવી રહ્યા છે અને આ કેસ સંવેદનશીલ હોવાથી જજ દવે તેમજ તેમના નિવાસે પુરતી સુરક્ષા પુરી પાડવી અનિવાર્ય છે.

અધિકારીના જણાવ્યા મુજબ કેન્દ્રે તાજેતરમાં જ જજની સલામતીની સમીક્ષા કરવા આદેશ આપ્યો હતો. સૂત્રોના મતે આઈબી દ્વારા સુરક્ષા કવરની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમના રિપોર્ટના આધારે જજને સુરક્ષા પુરી પાડવામાં આવશે. જો કે સુરક્ષા ક્યારે પુરી પાડવામાં આવશે તે અંગે કોઈ વિગતો ન હોવાનું સીબીઆઈના અધિકારીએ જણાવ્યું હતું.

20 જુલાઈ 2010ના આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની ગુજરાત હાઈકોર્ટ બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ગીર તેમજ આસપાસના વિસ્તારોમાં કથિત રીતે સાંસદ સોલંકી દ્વારા ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃતિનો જેઠવાએ આરટીઆઈ કરીને ઘટસ્ફોટ કર્યો હતો. આ કેસમાં દીનુ બોઘા અને તેના ભત્રિજા શિવા સોલંકી સહિત છ લોકોના નામ ચાર્જશીટમાં દાખલ કરાયા હતા. હાઈકોર્ટે કેસની તપાસ સીબીઆઈને સોંપવા આદેશ કર્યો હતો. સીબીઆઈએ જેઠવા હત્યા કેસમાં સોલંકીને હત્યાનો મુખ્ય સૂત્રધાર ઠેરવ્યો હતો.

(1:09 am IST)