ગુજરાત
News of Wednesday, 15th July 2020

કોરોના કહેર-લોકડાઉન ઈફેક્ટ : દોઢ મહિનામાં 110 લોકોએ આપઘાત કર્યો

લોકડાઉનને કારણે લોકોનાં વેપાર-ધંધા ઠપ્પ: કોરોના કહેર વરસાવતા લોકો ડિપ્રેશનમાં : મહિલાઓ દ્વારા શારિરીક તેમજ માનસિક અત્યાચારની ફરિયાદો વધી

અમદાવાદઃ કોરોના કાળમાં સતત ત્રણ વાર અપાયેલ લોકડાઉનને કારણે લોકોનાં વેપાર-ધંધા ઠપ્પ થયા છે,જેને કારણે લોકો ડિપ્રેશનમાં આવ્યા છે,લોકોનાં નોકરી-ધંધા પર લોકડાઉનનું ગ્રહણ લાગી જતા છેલ્લાં દોઢ મહિનામાં જ શહેરમાં 110 લોકોએ આપઘાત કર્યો હતો. જેમાં સૌથી વધુ પુરૂષોએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં  43 દિવસમાં કુલ 110 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં શહેરનાં પૂર્વ વિસ્તારમાં 52 લોકો અને પશ્ચિમ વિસ્તારમાં 26 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઉપરાંત 11 લોકોએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો છે. શહેરમાં 1 જૂનથી 13 જુલાઇ એટલે કે 43 દિવસ ( દોઢ મહિના) માં 110 લોકોએ આપઘાત કર્યો છે. જેમાંથી 82 પુરૂષો અને 28 મહિલાઓ છે.

કોરોનાનું સૌથી વધારે સંક્રમણ રાજ્યમાં અમદાવાદમાં વધારે જોવા મળી રહ્યું છે. જેનાં ભાગરૂપે તંત્રએ શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. કોરોના મહામારીમાં લાદવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોનાં વેપાર-ધંધા ઠપ્પ થઇ જતા લોકોનાં રોજગાર પર મોટી અસર પડી હતી. તદુપરાંત સામાન્ય પરિવારમાં સભ્યો વધારે હોવાંથી ખર્ચ વધારે આવતા પણ આપઘાત કર્યો હોવાંનું સામે આવ્યું છે.
જો કે હવે અનલોક થયા બાદ હાલમાં સરકારે મોટા ભાગનાં વેપાર-ધંધા શરૂ કરાવી દીધા છે. પરંતુ રોજગાર મામલે હજુ પણ લોકડાઉનમાં કેટલાંક લોકોનાં નોકરી-ધંધા ચાલ્યા જતા સામાન્ય માણસોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઇએ કે શહેરમાં 43 દિવસમાં 110 લોકોએ કરેલા આપઘાતમાંથી 82 પુરુષો એવા છે કે જેઓને આર્થિક મંદી તેમજ પારિવારીક મુશ્કેલીનો સામનો કરવો પડતા તેઓએ આપઘાત કરી લીધો છે.

 માત્ર દોઢ મહિનામાં જ શહેરમાં આપઘાત કરેલા 110 લોકોમાંથી સૌથી વધારે 82 પુરુષો અને 28 મહિલાઓ છે. જેની પાછળ ઘરેલુ કંકાશ પણ એટલો જ જવાબદાર છે. ઘરેલુ કંકાશને કારણે શહેરનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં મહિલાઓ દ્વારા શારિરીક તેમજ માનસિક અત્યાચારની ફરિયાદો વધુ પડતી આવી હોવાંનું સામે આવ્યું હતું. જ્યારે આ કંકાશ વચ્ચે કેટલીક મહિલાઓ તો હિંમત હારી જતા આપઘાત જેવું ખતરનાક પગલું ભર્યું હતું.

લોકોએ કેવી રીતે આત્મહત્યા કરી ?

1. ગળા ફાંસો ખાઈને : 86

2. નદીમાં કૂદીને : 10

3. ઝેરી દવા પીને : 4

4. એસિડ પીવાંથી : 2

5. સળગીને : 2

6. બિલ્ડીંગ પરથી કૂદવાંથી : 5

7. હાથની નસ કાપવાથી : 1

(9:29 pm IST)