ગુજરાત
News of Wednesday, 15th July 2020

અમદાવાદમાં દેશના અર્થતંત્રને તોડી પાડવાનો પ્રયાસઃ જુદી-જુદી ૧૪ બેન્કોમાંથી ૧૦૯૭ નકલી ચલણો નોટનો જથ્થો ઍસઓજી ટીમે જપ્ત કર્યો

અમદાવાદઃ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે શહેરની 14 બેંકોમાં ફરતી કરવામાં આવેલી રૂ.3,80,500 ની નકલી ચલણી નોટ અંગે ગુનો નોંધ્યો છે. દેશનાં અર્થતંત્રને તોડી પાડવા નકલી કરન્સી ફરતી કરનારા તત્વો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરની 14 બેંક જેમાં એચડીએફસી, કાલુપુર, યશ, કોટક, એ.યુ.સ્મોલ, આઈડીબીઆઈ, યુનિયન, ગુજરાત સ્ટેટ, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, આઈસીઆઈસીઆઈ, એક્સીસ, રિઝર્વ, ડીસીબી અને આઈડીએફસી બેંકનો સમાવેશ થાય છે.

આ બેંકોમાં કુલ 3,80,500 ની નકલી કરન્સી નોટ જુદા-જુદા દરની આવી હતી. જેમાં રૂ.2000નાં દરની 112, 500 નાં દરની 132, 200 નાં દરની 123, 100નાં દરની 584, 50ના દરની 138, 20ના દરની 3,10ના દરની 2 અને રદ થયેલી 500ના દરની એક નોટ મળી કુલ 1097 નંગ નકલી ચલણી નોટ બેંકોમાં આવી હતી.

કેટલીક ખાનગી બેંકોમાંથી સૌથી વધુ નકલી ચલણી નોટો આવી છે. સ્પેશયલ ઓપરેશન ગ્રુપ પાસે નકલી ચલણી નોટ અંગેના અનેક ગુનાની તપાસ છે. જોકે આ ગુનામાં કોઈ ફળદાયી પરિણામ મળતું નથી. પોલીસ માટે સમગ્ર કેસની તપાસ કરવી મુશ્કેલ છે, કેમ કે વેંક કર્મચારીઓ દ્વારા આ મુદ્દે યોગ્ય સહકાર આપવામાં આવતો નથી. ઘણા કિસ્સામાં નકલી ચલણી નોટ જમા કરાવવા આવેલા વ્યક્તિનું પુરૂ સરનામું કે સાચા નામ પણ પોલીસને મળતા નથી.

(4:54 pm IST)