ગુજરાત
News of Wednesday, 15th July 2020

સુરતના ગણદેવી તાલુકાના અંભેટા ગામના પાણીના મોટા પાઇપમાં અજગરે બે-બે ફુટના ૨૮ બચ્ચાને જન્મ આપ્યો

સુરત: ગણદેવી તાલુકાના અંભેટા ગામે આવેલા ભવાની ફળિયાના ખેતરમાં પડતર પડેલા પાણીના મોટા પાઇપમાં અઢી મહિના અગાઉ એક માદા મહાકાય અજગરે ઈંડા મુક્યા હતા. જેના પર ખેડૂતની નજર પડતા તેમણે વન વિભાગને જાણ કરી હતી. વનવિભાગે નવસારી વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન સાથે તેના પર નજર રાખી રહી હતી. જે બાદ તમામ ઈંડામાંથી અંદાજિત બે-બે ફૂટ લાંબા 28 જેટલા અજગરના બચ્ચા જન્મ્યા હતા. જેને લોકોએ જોતા લોકોમાં ભારે કુતુહૂલ સર્જાયું હતું.

ગણદેવીના અંભેટા ગામે ભવાની ફળિયામાં અઢી મહિના અગાઉ ભીખુભાઈ ધનજીભાઈ પટેલના ખેતરમાં ગત 22મી માર્ચે સવારે ખેતીકામ કરવા ગયા હતા. એ વખતે તેમણે ખેતરમાં પડેલા પડતર પાણીના મોટા પાઇપમાં અજગરને અંદર જતા જોયો હતો, જેના કારણે ત્યાં ગભરાટ ફેલાયો હતો. જેથી તેને પકડવા નવસારી વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશનના સભ્યને બોલાવ્યો હતો. જ્યાં તેમણે માદા અજગરે પાઇપમાં ઈંડા મૂકી તેનું સેવન કરતી જોવાઇ હતી. જેની જાણ સંસ્થા દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગના અધિકારી ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે અજગર અને ઈંડાને બચાવવા ખેડૂતને સમજાવ્યા હતા અને અજગર અને તેના ઈંડા ઉપર દેખરેખ રાખવામાં આવી રહી હતી.

બચ્ચાં જન્મ્યા બાદ તેનો કબજો લઈ જંગલમાં છોડવાની ખાતરી આપી હતી. રવિવાર અને સોમવાર દરમિયાન એક બાદ એક 28 બચ્ચા જન્મ્યા હતા. જેને વોલેન્ટીયરે બચાવી લીધા હતા. ભાગ્યે જ જોવા મળતી આ ઘટનાની જાણ લોકોને થતા ભારે કુતુહૂલ સર્જાયું હતું. વન વિભાગ દ્વારા સાવચેતીપૂર્ણ રીતે તમામ નવજાત બાળ અજગર છોડવાની તજવીજ હાથ ધરાશે.

આ અજગર બિનઝેરી અને નિશાચર મહાકાય સરીસૃપ સાપ છે. જે બીજા બધા સાપ કરતાં લાબું જીવે છે. સંખ્યાબંધ ઈંડા મૂકે છે. જ્યાં સુધી ઈંડા સેવાઇ ન જાય ત્યાં સુધી તેનું સંવનન કરે છે. આ અજગર લાંબો સમય સુધી ભૂખ્યા રહી શકે છે. ભોજનમાં નાના નાના પક્ષી પ્રાણીનો શિકાર કરે છે. આ સાપને વાઈલ્ડ લાઈફ એકટમાં વિશેષ રક્ષણ અપાયું છે.

(4:46 pm IST)