ગુજરાત
News of Wednesday, 15th July 2020

'મેં સુરત સિવિલમાં 70-80 લાશ જોઈ,: ઓડિયો ક્લિપ વાયરલ કરનાર ડ્રાઇવર સહીત બે લોકોની ધરપકડ

એક ખાનગી હૉસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે: 108માં નોકરી દરમિયાન ગેરવર્તન બદલ તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો

સુરત : શહેરમાં કોરોના વાયરસને લઈ સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ બધા વચ્ચે 108 એમ્બ્યુલન્સના એક ડ્રાઇવરની તેના પરિચિત સાથેની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપ વાયરલ કરનાર 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે 108ના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપનાર વ્યક્તિ ખરેખર એક ખાનગી હૉસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. 108માં નોકરી દરમિયાન ગેરવર્તન બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. શહેરમાં એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ ફૅક તેમજ વાયરલ મેસેજનો કહેર ચાલી રહ્યો છે. સામાન્ય રીતે 108ની સેવા હંમેશા લોકોના જીવ બચાવતી હોય છે. પરંતુ લોકોના જીવ બચાવતી આ જ 108 સેવા પર ગંભીર આરોપ લગાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. બે દિવસ અગાઉ સાંજે ક્રાઇમ બ્રાન્ચને એક ઓડિયો કલીપ મળી હતી. 8 મિનિટ અને 19 સેકન્ડની આ ઓડિયો ક્લિપમાં 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર રમેશભાઈ તેમના પરિચિત ચંદુભાઈ સાથે વાત કરે છે. જેમાં સુરતમાં કોરોનાની સ્થિતી કાબૂ બહારની થઇ ગઈ છે અને રોજ 70 થી 80 મોતની સામે સરકાર 3 થી 4 મોત જ બતાવે છે તેમ કહી બચવું હોય તો વતન ચાલ્યા જવાની સલાહ આપે છે.

 
 
   

(11:35 am IST)